રિપોર્ટ@જૂનાગઢ: નીલધારા એપાર્ટમેન્ટના ફ્લેટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભયાનક આગ લાગી

ફ્લેટમાં આગ લાગતા દોડધામ

 
રિપોર્ટ@જૂનાગઢ: નીલધારા એપાર્ટમેન્ટના ફ્લેટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભયાનક આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે.  જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા નજીક આવેલા નીલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. નીલધારા એપાર્ટમેન્ટના ફ્લેટમાં બપોરના સમયે બેડરૂમના એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. તળાવ ગેટ પાસે ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ટીઆરબી જવાન ચેતન રાઠોડ અને ભગીરથસિંહ ડોડીયાને નીલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સંપૂર્ણ આગની ઘટનાનો ચિતાર મેળવ્યા બાદ ફાયર વિભાગને જાણ કરી હતી. જેને પગલે જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઇન્સ્પેક્ટર દીપક જાનીએ જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે તળાવ દરવાજા પાસે આવેલ નીલધારા એપાર્ટમેન્ટના ત્રીજા માળે બ્લોક નંબર 309માં આગ લાગ્યાની ઘટના બની હતી. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગને આગ લાગ્યાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. બ્લોક નંબર 309 માં બેડરૂમમાં લગાવેલ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે ફાયર વિભાગની ટીમ દ્વારા માત્ર 15 થી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.