રિપોર્ટ@અમદાવાદ: પ્રેમિકાની હત્યાના ગુનામાં ફરાર થયેલો આરોપી ઝડપાયો, જાણો વધુ વિગતે

ધરપકડ કરી લેવામાં આવી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: પ્રેમિકાની હત્યાના ગુનામાં ફરાર થયેલો આરોપી ઝડપાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક મર્ડરની ઘટનાઓ સામે આવતી હોય છે.  અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચકચારી હત્યા કેસ સામે આવ્યો હતો. જો કે આ હત્યા કેસમાં હત્યારો આરોપી નાસ્તો ફરતો હતો. શહેરના નરોડા વિસ્તારમાં નોંધાયેલી હત્યાની ફરિયાદમાં જે તે સમયે હત્યારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાંથી તે પેરોલ પરથી નાસી છૂટ્યો હતો અને વર્ષ 2021થી ફરાર હતો.

જો કે, પોલીસને માહિતી મળતા ઝોન 4 એલસીબીની ટીમ દ્વારા તેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વર્ષ 2020માં નરોડા વિસ્તારમાં હંસપુરામાં આવેલી દેવનંદન સંકલ્પ સિટીમાં રહેતો અનુરાગ ભદોરીયાએ તેની પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી. અનુરાગની પ્રેમિકા ગર્ભવતી થઈ હતી, જે પ્રેમી અનુરાગને ન ગમતા તેને લઈને બંને વચ્ચે થયેલી તકરારમાં પ્રેમીએ પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહના કટકા કરી એક બેગમાં કપડાની સાથે પેક કરી રાજસ્થાન તરફ નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ આરોપી પ્રેમી સાબરમતી જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે ફરીથી નાસી ગયો હતો. આખરે પોલીસને માહિતી મળતા રાજસ્થાનના ખાટુશ્યામમાંથી તેની ધરપકડ કરી છે.

આરોપી પ્રેમીને પકડવો થોડો મુશ્કેલ હોવાથી પોલીસ દ્વારા ટેકનીકલ એનાલિસ સિસ્ટમના સોર્સના આધારે ખાટુશ્યામમાં હોવાની માહિતી મેળવી હતી. જ્યાં પોલીસે અલગ અલગ રીતે વેશપલટો કર્યો હતો. પોલીસે શાકભાજી વેચનાર, રિક્ષા ચલાવનાર તેમજ ફેરીયાનો વેશ ધારણ કરી આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસ આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.