રિપોર્ટ@અમદાવાદ: જમીન દલાલ પાસેથી 42 લાખની લૂંટ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી

લૂંટ કેસમાં ધરપકડ કરી પોલીસે
 
રિપોર્ટ@અમદાવાદ: જમીન દલાલ પાસેથી 42 લાખની લૂંટ આચરનાર આરોપીની  ધરપકડ કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

એક જમીન દલાલને ટી સ્ટોલ પર મળેલા અજાણ્યા વ્યક્તિએ મુલાકાત બાદ એક સોદો કરીને ઓફિસમાં ઘૂસીને 42 લાખની લૂંટ આચરી હતી. આ લૂંટ કરનાર શખ્સની સુરત જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં તેણે રાજ્યભરમાં અનેક ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપીએ રાજ્યભરમાં જમીન તથા ગાડી લે વેચના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ આરોપીની 42 લાખની લૂંટ કેસમાં ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયાની વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ પટેલ ગોતામાં આવેલા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવી કેતન શાહ, હસમુખ વોરા અને સુરેશભાઇ નાયી સાથે જમીન મકાન લે વેચનો ધંધો કરે છે. થોડા દિવસ પહેલા હર્ષદભાઇ જમીનના કામકાજ માટે કર્ણાવતી ક્લબ પાસેના ટી સ્ટોલ પર તેમના મિત્ર રણુ ભરવાડ સાથે બેઠા હતાં. હર્ષદભાઇ અને રણુભાઇ જમીનની લે વેચ અંગેની વાતચીત કરતા હતા ત્યારે ત્યાં બેઠેલો શખ્સ આ વાતો સાંભળી ગયો હતો. બાદમાં આ શખ્સ હર્ષદભાઇ પાસે આવ્યો અને પોતાનું નામ ઇમરાન ડેલા જણાવીને પોતે પણ જમીન મકાનની દલાલીનું કામ કરતો હોવાની ઓળખ આપીને ફોન નંબરની આપ લે કરી હતી. આ દરમિયાનમાં આંબાવાડી વિસ્તારનો એક બંગલો ખરીદીને નફો મળે ત્યારે વેચાણ કરવાનો હોવાથી બંગલો જોવા માટે હર્ષદભાઇના ભાગીદાર હસમુખભાઇ અને ઇમરાન ડેલા બન્ને સાથે ગયાં હતાં. બંગલો પસંદ આવતા હસમુખભાઇએ ખરીદવાની વાત કરી હતી. થોડા દિવસ બાદ ઇમરાને ફોન કરીને તેની પાસે બંગલો ખરીદવા એક પાર્ટી હોવાનું કહીને ઓફિસ આવીને ટોકન અપાવી દેશે તેવી વાત કરી હતી. 4 ડિસેમ્બરે સવારે ઇમરાન હર્ષદભાઇની ઓફિસે આવી ગયો અને ~ 42 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર થયો હતો. ગુનો આચર્યા બાદ રાજકોટ ભાગી ગયેલો આરોપી ઇમરાન ડેલા સુરત પહોંચતા જ સુરત પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી સુરત જેલમાં હતો ત્યારે સોલા પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ~ 42 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

છેતરપિંડીના રૂપિયાથી કસિનોમાં જુગાર રમવા જતો

આરોપીએ સુરતમાં 16 લાખની, રાજકોટમાં 3 લાખની છેતરપિંડી આચરીને અમદાવાદમાં 42 લાખની લૂંટ ચલાવી હતી. આ સિવાય આરોપીએ સુરત અને રાજકોટમાં 33 જેટલા ગુના આચર્યા છે. આરોપીની અગાઉ પણ રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી વૈભવી લાઇફ સ્ટાઇલ અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી લોકો સાથે ચીટિંગ કરીને દીવ, દમણ કે ગોવા કસિનોમાં જુગાર રમવા જતો રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.