રિપોર્ટ@ગાંધીનગર: કલોલ લાફાકાંડ બાદ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામાં આપ્યા

રાજીનામાં મંજૂર થશે તો ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે.
 
રિપોર્ટ@ગાંધીનગર: કલોલ લાફાકાંડ બાદ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામાં આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર જિલ્લાના કલોલની નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામાં ધરી દીધાં છે. જો આ રાજીનામાં મંજૂર થશે તો ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે. જોકે, આ મામલો પ્રદેશ કક્ષા સુધી પહોંચતાં નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઇ રહ્યા છે. કલોલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવાના થતા વિકાસકામોના ટેન્ડરમાં રી-ટેન્ડરિંગના નિર્ણય સામે વિરોધ અને તે પછી થયેલા લાફાકાંડના પગલે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કુલ 44 બેઠકો પૈકી 33 બેઠકો ભાજપ અને 11 બેઠકો કોંગ્રેસ પાસે છે. 12 સભ્યોનાં રાજીનામાં મંજૂર થાય તો ભાજપે સત્તા ગુમાવવી પડે. હજુ પણ બીજા છ નગરસેવકો રાજીનામાં આપે તેવી વકી છે. આ તમામે પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. આ સંજોગો કલોલ તાલુકા અને ગાંધીનગર જિલ્લાના ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા અંગેના સવાલો ઊઠી રહ્યાં છે.

કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 7.50 કરોડના ખર્ચે કામો મંજૂર થયા હતા. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા વર્ક ઓર્ડર આપવાનો હતો. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહીતના સભ્યોએ રી- ટેન્ડરિંગ માંગણી કરતા મામલો બિચક્યો હતો. આ નિર્ણયના વિરોધમાં ટોળું નગરપાલિકામાં ઘસી ગયું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિને લાફા ઝીંકાયા હતા.

કલોલ નગરપાલિકામાં ગત વર્ષે નવી ટર્મ માટે પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટિની નિમણૂક વખતે પણ સામૂહિક રાજીનામા પડ્યાં હતા. પ્રમુખની નિમણૂક વખતે 9 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક વખતે વધુ ત્રણ સભ્યો જોડાતા 12 રાજીનામાં પડ્યાં હતાં.