રિપોર્ટ@નવસારી: પૂર બાદ નવસારીના રાજકારણમાં તૂતૂમેમે, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવસારીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. પૂર બાદ રાજકારણ ગરમાયું છે. નવસારી શહેરમાં બે દિવસ અગાઉ પૂર્ણા નદીમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી હાલમાં શહેરીજનોને છુટકારો મળ્યો છે. તેવામાં નવસારી શહેરમાં રાજનીતિએ જન્મ લીધો છે, જેમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ હાલમાં નીચાણ વાળા પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખી જરૂરી કેસડોલ તેમજ અનાજ અને કપડાં આપવાની માંગ કરી છે, તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે આ પ્રવૃત્તિને રાજકારણ ગણાવી છે અને પુર વખતે કોંગ્રેસે ક્યાં ગયું હતું તેમજ હાલમાં અસરગ્રસ્તોને મદદ કરવાની સલાહ આપી છે.
મોટેભાગે કોઈ કુદરતી હોનારત કે દુર્ઘટના થયા બાદ રાજકીય આગેવાનો જે-તે વિસ્તારની મુલાકાત લઈને અસરગ્રસ્તોનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરે છે. આવું જ કંઈક નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્યઅનંત પટેલે પણ કર્યું. જ્યાં તેમણે શહેરમાં પુરથી પ્રભાવિત ભેસતખાડા, દશેરા ટેકરી, રામલમોરા સહિત કાલીયાવાડી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તો સાથે વાતચીત શરૂ કરી હતી અને વહીવટી તંત્રની કામગીરીને સખત શબ્દોમાં વખોડી હતી.
ધારાસભ્ય અનંત પટેલ જણાવે છે કે, પુર આવવા પહેલા વહીવટી તંત્રને તેની જાણ થઈ ન હતી અને સમયસર લોકોને જાણકારી આપવામાં આવી ન હતી. જેને કારણે નાગરિકો હેરાન થયા હતા. હાલમાં જ્યારે પૂર ઓસરી ગયો છે, ત્યારે લોકોને ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં પણ વહીવટી તંત્ર નિષ્ફળ ગયા હોવાની વાત કહી છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેસડોલ તેમજ સર્વે કર્યા બાદ તેમને ઝડપથી સહાય મળે તેવી માંગ કરી છે. આવા વિસ્તારોમાં હજુ પણ અનાજ કે કપડાં જેવી જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ ન મળી હોવાને લઈને તેમણે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.
આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આવા કપરા સમયે રાજનીતિ ન કરે તે જરૂરી છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી એ હાલના સમયની માંગ છે તમે જોયું હશે તેમ પુર સમયે જિલ્લા ભાજપની ટીમ સખત મહેનત કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં બોટ લઈને લોકોને બહાર કાઢ્યા હતા .તેમ જ જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ કરી હતી. આવા સમયે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ તેવી મારી સલાહ રહેશે.
નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર-ઠેર ગંદકી થઈ હતી, જે સાફ કરવી મોટો હપડકાર સાબિત થઈ રહ્યો હતો. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવા લોકો વહેલી સવારથી જ કામે લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત સતત વધી ગઈ હતી. અનેક લોકોનાં ઘરોમાં પાણી ભરાતાં ઘરવખરીનો સામાનનો નાશ થઈ ગયો હતો, લોકોને ખૂબ નુકસાન થયું છે. પરિવારો વહેલી સવારે જાગીને સાફસફાઈમાં જોતરાયા હતા. બીજી તરફ પાલિકાએ પણ સાફસફાઈની કામગીરી આરંભી હતી. પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી હતી. 1000 કર્મચારી શહેરની સાફસફાઈમાં જોડાયા હતા.
નવસારી જિલ્લામાં ગઈકાલે પૂર્ણ નદીના પાણીથી જળબંબાકાર થયો હતો. શહેરના દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, ત્રણ તબક્કામાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પૂર્ણા નદીના પૂર ઓસર્યા બાદ નવસારીના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની હતી. શાંતાદેવી રોડની ગાંધીનગર સોસાયટીમાં આઠ ફૂટથી વધુ પાણી ભરાયાં હતાં, જેના કારણે ભાડેથી રહેતા ભમરાભાઇ ઠાકોરના ઘરમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. ઘરનો સામાન ખસેડવાનો પણ સમય મળ્યો ન હતો. એના કારણે અનાજ તેમજ અન્ય વસ્તુઓ પલળી ગઈ હતી. જ્યારે પૂરના પાણી ઊતર્યા અને ઘરે આવ્યા તો અનાજ સંપૂર્ણ પલળેલું હતું, જેથી એને ફેંકી દેવું પડ્યું હતું. સાથે જ ઘરની અન્ય વસ્તુઓ ગાદલાં, ગોદડાં સહિત કપડાં પણ પલળી જતાં ફેંકી દેવા પડ્યાં છે. હીરાના કારખાનામાં કામ કરતા ભમરાભાઈને આર્થિક નુકસાની વેઠવી પડી છે.
શાંતાદેવીની ગાંધીનગર સોસાયટીમાં રહેતા સ્થાનિકે જણાવ્યું હતું કે, ઘરોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થતાં અમે ઘરેથી બહાર નીકળી ગયા હતા. NDRFની ટીમ સામે પણ તેમણે રોષ જાહેર કર્યો હતો અને ઘરમાં ચાર ફૂટ પાણી ભરાતાં ઘરવખરી સહિત અનાજને પણ નુકસાન થયું હતું. મહિલાઓ પણ સાફ-સફાઈમાં જોડાઈ હતી અને ઘરમાંથી કાદવ-કીચડ કાઢવા સમગ્ર પરિવાર કામગીરીમાં જોડાયો હતો.
શાંતાદેવીના હીરાના વેપારી દિલીપભાઈએ જણાવ્યું, સ્થાનિક તંત્ર સૌથી વધુ બેદરકાર છે. તંત્રએ આ પ્રમાણે પૂર આવવાનું છે એ અંગે અગાઉ જાણકારી આપી જ નહોતી, જેને કારણે હજારો લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ તો દર વખતે તંત્ર લોકોને સાવચેત કરતું હતું, પણ આ વખતે તંત્રએ કોઈ જાણકારી ન આપી. શાંતાદેવી વિસ્તારમાં અનેક લોકોને આર્થિક નુકસાન થયું છે. અમે અનેક વખત તંત્ર પાસે મદદ માગી પરંતુ કોઈ મદદ અમને મળી શકી નથી.
સ્થાનિક રમાબેન દંતાણીએ રડતાં રડતાં જણાવ્યું, દર વર્ષે અમને નુકસાન થાય છે. આટલું નુકસાન થાય છે તોપણ અમને ક્યારેય સહાય પણ નથી આપી. બહુ મોટું અમારે નુકસાન થયું છે. અમને કોઈ સહાય નથી આપતા તો હવે અમારે ક્યાં જવાનું.