રિપોર્ટ@અમદાવાદ: દરગાહમાં તોડફોડ બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો

ટ્રસ્ટ અને દરગાહને લઈને અનેક વિવાદ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે હત્યાની કોશિશ, રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાયા અંગેની બે ફરિયાદો નોંધી 50થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર કાવતરા મામલે અને આ ઘટનામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા તેને લઇને સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો મારફતે તપાસ શરૂ કરી છે. પીરાણા ખાતે આવેલા ઇમામશાહ દરગાહ ખાતે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, પીરાણા ગામમાં આવેલા ધાર્મિક સ્થળ પર કેટલાક લોકો દ્વારા ધાર્મિક જગ્યા તોડવામાં આવી હોવા અંગેની જાણ થઈ હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 100થી વધુ લોકોના ટોળા દ્વારા તોડફોડ અને સામ સામે હુલો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે સ્થળ પરથી જ કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં અનેક લોકોના નામ બહાર આવ્યા છે. પૂછપરછમાં નામ બહાર આવ્યા તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કાવતરામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસના વીડિયો, સોશિયલ મીડિયાના વીડિયો અને સીસીટીવી ફૂટેજ મારફતે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.


પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહ આવેલી છે. જે ટ્રસ્ટ અને દરગાહને લઈને ભૂતકાળમાં અનેક વિવાદ થયા છે. બુધવારે સવારે પીરાણાના ગ્રામજનો અને ટ્રસ્ટીઓને જાણ થઈ હતી કે, દરગાહમાં આવેલી કેટલીક કબરોને તોડી દેવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં મુસ્લિમ ગ્રામજનો અને લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ એસઓજી, એલસીબી અને જિલ્લા પોલીસ વડા પોતે પીરાણા ખાતે પહોંચી ગયા હતા. ઇમામશાહ બાવાની દરગાહમાં જે કબરો તોડવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.


જે કબરો આવેલી છે તે રાત્રે તોડવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ ઘટના બાદ સવારે તાત્કાલિક ધોરણે ફરીથી કબરો બનાવવામાં આવવી હોવાની પણ માહિતી મળી છે. પોલીસની હાજરીમાં ફરીથી નવી કબરો બનાવી દેવામાં આવી છે. જો કે, હાલમાં આ સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ પીરાણા ખાતે ગોઠવી દેવામાં આવી છે અને અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.