રિપોર્ટ@અમદાવાદ: 13 વર્ષીય કિશોરીનાં પેટમાંથી 10 ઈંચ લાંબો વાળનો ગુચ્છો નીકાળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ સોલા સિવિલમાં 13 વર્ષીય કિશોરીનો એક વિચિત્ર બીમારીનો કેસ સામે આવ્યો છે. તબીબોની ટીમે રાજસ્થાનની 13 વર્ષીય કિશોરીના પેટમાંથી 10 ઈંચ લાંબો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. આ વાળનો ગુચ્છો જોઇને એક સમયે તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લેપ્રોસ્કોપી મશીનથી જટિલ સર્જરી કરીને તબીબોએ આ કિશોરીને નવજીવન આપ્યું હતું.
રાજસ્થાનના ડુંગરપુરથી એક 13 વર્ષીય કિશોરીને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ હતી, તેને લઈને અમદાવાદ સોલા સિવિલ લાવવામાં આવી હતી. જોકે અહીં તબીબોએ તેની તપાસ કરતાં તેને ટ્રાયકોબેઝોર નામની તકલીફ હોવાનું જાણાવ્યું હતું. આ બીમારીને રેપન્ઝલ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિશોરીના પેટમાં જે ટ્રાયકોબેઝોર હતું, એ બનવાની શરૂઆત લગભગ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ હોવાનું તબીબોનું કહેવું છે. ખાસ કરીને નાનાં બાળકો અને 10થી 15 વર્ષની કિશોરીઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.
સોલા સિવિલ હોસ્પિટલ અને GMERS મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. હેમાંગ પંચાલે ટ્રાયકોબેઝોર અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રાયકોબેઝોર એટલે કે પેટમાં વાળનો ગુચ્છો. મુખ્યત્વે આ બીમારી છોકરીઓમાં વધુપડતી જોવા મળે છે. આ બીમારીમાં છોકરીઓ પોતાના જ વાળ ખાઈ જતી હોય છે. વાળમાં રહેલું કેરેટિંગ મનુષ્ય માટે પચાવવું શક્ય હોતું નથી, જેને કારણે એનો ગુચ્છો બની જાય છે અને આંતરડા સુધી તેની પૂંછડી લંબાઇ છે, તેથી એને રેપન્ઝલ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિશોરીના પેટમાં જે 10 ઈંચ જેટલો લાંબો વાળનો ગુચ્છો હતો એ તેના જઠરની સમકક્ષ સાઈઝનો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાળના ગુચ્છામાં સતત ખોરાક અને પેટનું એસિડ ભળી જતાં એ ખૂબ જ કડક થઈ જાય છે અને ધીમે-ધીમે શરીરમાં વિચિત્ર રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે દર્દી ખોરાક પચાવી શકતો નથી કે ન તો પચેલો ખોરાક બહાર નીકળી શકે છે. આના કારણે ખોરાક પેટમાં જ સડવા લાગે છે ને પરિણામે ઊલટી રૂપે ખોરાક દર્દીના પેટમાંથી બહાર નીકળે છે. જે બાળકો આ પ્રકારે પોતાના જ વાળ ખાતા હોય છે તે માનસિક રીતે થોડા અસ્પષ્ટ હોય છે અથવા તો કોઈ ટ્રોમાથી પસાર થતા હોઈ શકે છે અથવા તો જે માતા-પિતા પોતાનાં બાળકો પર પૂરતું ધ્યાન નથી આપી શકતાં. તદુપરાંત રોજિંદી મજૂરીકામમાં વ્યસ્ત રહેતા આર્થિક રીતે પછાત વર્ગના લોકોનાં બાળકોમાં આ તકલીફ વધુ માત્રામાં જોવા મળે છે, કારણ કે કેટલીક વખત ભૂખને કારણે બાળકો પોતાના જ વાળ ખાવાનું શરૂ કરી દેતાં હોય છે અને એ પેટમાં પચી શકતા નથી, જેને કારણે રેપન્ઝલ સિન્ડ્રોમ થઈ શકે છે. આ બીમારી ધરાવતા દર્દીઓ અને માનસિક અસ્થિરતા હોવાથી તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. એક વખત ઓપરેશન બાદ બીજી વખત આ બીમારી થવાનો ખતરો રહેતો નથી.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આ પ્રકારની જટિલ સર્જરી લેપ્રોસ્કોપી એચડી વીડિયો મશીનથી કરવામાં આવી હતી, જેમાં ફક્ત કિશોરીના પેટમાં ત્રણ કાણાં પાડીને લેપ્રોસ્કોપી મશીન પેટની અંદર પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢવા માટે એક ચીરો લગાવવામાં આવ્યો હતો એટલે કે ફક્ત 5થી 6 ટકામાં જ તેનું સંપૂર્ણ ઓપરેશન સફળ રહ્યું હતું. કિશોરીને હવે કોઈ ઇન્ફેક્શનનો ખતરો પણ રહ્યો નથી.