રિપોર્ટ@અમદાવાદ: મોતિયાના ઓપરેશન બાદ 2 લોકોએ દ્રષ્ટી ગુમાવી, ડોક્ટરો સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ

આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો
 
રિપોર્ટ@અમદાવાદ: મોતિયાના ઓપરેશન બાદ 2 લોકોએ દ્રષ્ટી ગુમાવી, ડોક્ટરો સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના માંડલ તાલુકામાં આવેલી શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ મોતિયાના ઓપરેશન બાદ બે વ્યક્તિઓએ કથિત રીતે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી અને 15 અન્ય લોકોએ આંશિક દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, ત્યારે સોમવારે બે ડૉક્ટરો સહિત 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે એક સમાચારના અહેવાલ બાદ સુઓ મોટુ સંજ્ઞાન લેતા, 17 જાન્યુઆરીએ ગુજરાત સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ મામલે બુધવારે ફરી સુનાવણી થવાની છે.

માંડલ પોલીસે સર્જરી કરનાર ડૉ. જૈમિન પાંડે અને ડૉ. દાનુભાઈ ડોડિયા, ઑપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરત ખુમાણ, પટાવાળા રણછોડ પરમાર અને હૉસ્પિટલ ચલાવતા શ્રી સેવાનિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ- મણી પટેલ, નારાયણ દલવાડી, શંકર પટેલ, ગોવિંદ પંચાલ, ભૂપેન્દ્ર ભાવસાર, જગદીશ પટેલ અને મનુ ચાવડા વિરુદ્ધ FIR નોંધી છે.

એસપી (અમદાવાદ ગ્રામીણ) મેઘા તેવરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “FIR ગઈ કાલે દાખલ કરવામાં આવી હતી. અમે બુધવારે HCને રિપોર્ટ કરીશું. તપાસ ચાલુ છે.”

આ કેસના ફરિયાદીઓમાં પાટણ જિલ્લાના રૂઘનાથપુરા ગામના મજૂર વશરામભાઈ ભરવાડ (60) અને માંડલના સીતાપુર ગામના શાંતાબેન રાઠોડ છે, જેમણે એક આંખની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી.

ભરવાડનો આરોપ છે કે, બરાબર જોઈ ન શકવાને કારણે તે શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં તપાસ માટે ગયો હતો. ત્યાં પંડ્યા અને ડોડિયાએ તેમને કહ્યું કે, તેમની જમણી આંખમાં મોતિયાની સર્જરીની જરૂર છે.

ફરિયાદ મુજબ, ભરવાડ અને રાજ્યના વિવિધ ભાગોમાંથી 28 અન્ય લોકોએ 10 જાન્યુઆરીએ મોતિયાની સર્જરી કરાવી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ફોલો-અપ માટે 13 જાન્યુઆરીએ આવવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, જ્યારે ભરવાડને ખબર પડી કે, તે તેની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી રહ્યો છે, ત્યારે તે 12 જાન્યુઆરીએ હોસ્પિટલમાં ગયો હતો. પરંતુ તેઓને બીજા દિવસે પાછા આવવા માટે કહેવામાં આવ્યું હતું.

ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, જ્યારે તે 13 જાન્યુઆરીએ પાછો ફર્યો ત્યારે તેણે અન્ય 18 દર્દીઓને જોયા જેમની આંખો સુજી ગઈ હતી અને લાલ થઈ ગઈ હતી. આ તમામને દવાઓ આપવામાં આવી હતી અને 15 જાન્યુઆરીએ પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ભરવાડ અને અન્ય ચારની હાલત વધુ બગડતાં તેઓને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

એફઆઈઆરમાં જણાવાયું છે કે, સરકારી હોસ્પિટલમાં, ભરવાડને ડૉક્ટરોએ કહ્યું હતું કે, તેમની જમણી આંખ દૂર કરવામાં આવે કારણ કે તે ચેપગ્રસ્ત છે. તેના માટે 2 ફેબ્રુઆરીએ તેની સર્જરી કરવામાં આવી હતી. તેની સાથે અન્ય એક દર્દી શાંતા રાઠોડને પણ તેની જમણી આંખ કાઢી નાખવી પડી હતી. એફઆઈઆર જણાવે છે કે, શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા “સુવિધાઓના અભાવ હોવા છતાં” ચલાવવામાં આવી રહી હતી.

આરોપીઓ પર કલમ ​​337 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા અવિચારી અથવા બેદરકારીભર્યા કૃત્યથી નુકસાન પહોંચાડવું), 338 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા ગંભીર ઇજા પહોંચાડવી) અને 114 (ગુનાહિત ગુનો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.