રીપોર્ટ@અમદાવાદ: 2 ઠગે સાત વ્યક્તિ પાસેથી રૂ. 70.90 લાખની છેતરપિંડી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેતરપિંડીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીનાં ગુનાઓ સામે આવતા હોય છે. ન્યૂ ઝીલેન્ડમાં વર્ક પરમિટ વિઝાની સાથે રહેવાની, નોકરી આપવાની લાલચ આપી 2 ઠગે સાત વ્યક્તિ પાસેથી કુલ રૂ. 70.90 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.મેમનગરમાં રહેતા 38 વર્ષીય જયદીપ નાકરાણી વિજય ચાર રસ્તા પાસે વિઝાલી નામથી ફર્મ ધરાવી વિઝા કન્સલ્ટિંગનું તેમ જ પત્ની નિર્મિતા સાથે ભાગીદારીમાં અભિવ્યક્તિ કમ્યુનિકેશન નામની ફર્મ ધરાવી જાહેરાતો આપવાનું કામ કરે છે.
તેમની ફરિયાદ અનુસાર, નવેમ્બર 2023માં ન્યૂ રાણીપ ખાતે માધવીસ બ્રિટિશ એકેડેમી ફર્મના માલિક દર્શિલ પટેલને તેઓ મળ્યા હતા. તેમણે ન્યૂ ઝીલેન્ડ વર્ક પરમિટ પર જવા માગતા હોય તેવા ભારતીયોના વિઝા તથા ત્યાં ઉતર્યા પછી એરપોર્ટથી લઈને રહેવા અને નોકરીની વ્યવસ્થા કરી આપવાની જવાબદારી લેતા હોવાનું તથા વ્યક્તિદીઠ 17 લાખનો ખર્ચ થતો હોવાનું અને ટિકિટના અલગ થતા હોવાનું જણાવ્યું હતું.
આથી દર્શિલ પર વિશ્વાસ રાખી જયદીપભાઈએ તેમના ગ્રાહક તુષાર શર્મા, વિશ્વકુમાર પટેલ, વ્યોમ ચૌધરી, દ્રુપત પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, વિવેક પટેલ અને બ્લેશી પરેરાને ન્યૂ ઝીલેન્ડ ખાતે મોકલી આપવાનું કામ તેમને સોંપ્યું હતું. સાથે જ આ તમામ પાસેથી કુલ રૂ. 70.90 લાખ મેળવી પરમિટ વિઝા કરાવી આપવાની વાત કરી હતી. દર્શિલે ટિકિટ પણ આપી હતી. જોકે ટિકિટ કેન્સલ થઈ હોવાની જાણ થતા તેને ફોન કરી આપેલા પૈસા પરત માગ્યા ત્યારે તે ગલ્લાતલ્લા કરતો હતો. આથી પોતાની અને પોતાના સાત ગ્રાહકો સાથે દર્શિલ પટેલ અને તેના મળતિયા જયમીન પટેલે વિશ્વાસઘાત કર્યો હોવાની જાણ થતા જયદીપે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.