રિપોર્ટ@અમદાવાદ: યુવતી સામે શરીરે પેટ્રોલ છાંટી યુવકે આગ લગાડી અને પહેલા માળેથી નીચે પડ્યો,સારવાર દરમિયાન મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરખેજ વિસ્તારમાંથી હદય કંપાવી ઊઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. જે બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.
સળગતી હાલતમાં રોડ પર તરફડિયા મારતો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતી અને પડોશમાં રહેતો 29 વર્ષનો યુવક મિત્ર હતા. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. તે દરમિયાન ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે યુવતી જ્યાં હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યાં કામરાન પેટ્રોલ અને લાઇટર લઈને પહોંચી ગયો હતો. જે બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. દરમિયાન કામરાન ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માટે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતા બેભાન થઈ ગઈ હતી.
કામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માટેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ કામરાનને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, કામરાનનું મોટાભાગનું શરીર દાજી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડી રાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

