રિપોર્ટ@અમદાવાદ: ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ ગયો, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર અકસ્માતનો ભયાનક બનાવ સામે આવ્યો છે.અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. 21 ફેબ્રુઆરીને શનિવારે વહેલી સવારે યમદૂત બનીને આવેલા ડમ્પરે 22 વર્ષના મોપેડ રહીને જઈ રહેલા યુવકને ટક્કર મારતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવ અંગે જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
ફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો 22 વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે નંબરપ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં મુસ્તકીમ જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગંભીર ઇજાઓને કારણે મુસ્તકીમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતાં આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. તપાસ કરતાં ડમ્પરના આગળ અને પાછળના ભાગે કોઈ નંબરપ્લેટ લાગેલી નહોતી. દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, એના કારણે જ આ અકસ્માત થયો છે.

