રિપોર્ટ@અમદાવાદ: આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું

સરદાર ગાર્ડન પાસે 2 દિવસીય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજાયો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોંઘવારીના વધતા ભાર વચ્ચે પગાર વધારો અને નિવૃત્તિ વયમર્યાદા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ગુજરાતની આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ સરકાર સામે આંદોલનનો મોરચો ખોલ્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ અમદાવાદમાં લાલ દરવાજા નજીક સરદાર ગાર્ડન પાસે (રૂપાલી સિનેમા સામે) 2 દિવસીય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજાયો છે.

વેતનમાં વધારાની સાથે હાઇકોર્ટના ચુકાદાના અમલની માંગ

આંગણવાડી વર્કરોના વેતન અંગે ગુજરાત હાઇકોર્ટની ફુલ બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ કરવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરના વેતનમાં વધારો કરવાની સાથે હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠન દ્વારા વચગાળાની રાહત તરીકે સન્માનજનક લઘુત્તમ વેતન જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે.

પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ

હાલ ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પરને મળતા વેતન અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં આંગણવાડી બહેનોને ગુજરાતની સરખામણીએ વધુ વેતન ચૂકવવામાં આવે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. પગાર વધારા ઉપરાંત આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરની નિવૃત્તિ વયમર્યાદા સહિતના અન્ય પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.

હક્કોના પ્રશ્ને લાંબા સમયથી રજૂઆતો છતાં ઉકેલ નહીં

વર્ષ 2018 અને 2022 બાદ મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતા વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીના અમલીકરણમાં આંગણવાડી અને આશા વર્કરો મહત્વની ભૂમિકા ભજવતી ગોવા છતાં માંગણી સ્વીકારવામાં ન આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં વેતન અને અન્ય હક્કોના પ્રશ્ને લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં નક્કર ઉકેલ નહીં આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવાયો છે.

આગામી કાર્યક્રમોનો નિર્ણય 10 સપ્ટેમ્બરે જાહેર કરવાની ચીમકી

સંગઠનનો આક્ષેપ છે કે, અગાઉ સરકાર સાથે બેઠકો યોજાઈ હોવા છતાં માંગણીઓ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 23 માર્ચે ચાર કેબિનેટ મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. પરંતુ ત્યારબાદ કોઈ નક્કર બેઠક કે નિર્ણય થયો નથી. તેથી સરકાર તાત્કાલિક બેઠક બોલાવી પગાર વધારો અને અન્ય પડતર માંગણીઓ અંગે સ્પષ્ટ તથા નક્કર નિર્ણય કરે તેવી માગ છે.

સાથે જ સરકાર આ માંગણીઓ અંગે નિર્ણય ક્યારે લેશે તેનો સ્પષ્ટ જવાબ આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. તેમજ કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી કાર્યક્રમો અંગેનો નિર્ણય 10 સપ્ટેમ્બરે જાહેર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આંગણવાડી અને આશા વર્કરોની મુખ્ય માંગણીઓ

આંગણવાડી વર્કર અને આશા વર્કરના પગારમાં વધારો કરવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટની ફુલ બેન્ચના પગાર વધારાના ચુકાદાનો અમલ કરવામાં આવે અને તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અપીલ પાછી ખેંચવામાં આવે.

વચગાળાની રાહત તરીકે સન્માનજનક લઘુત્તમ વેતન જાહેર કરવામાં આવે.

આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરના વેતન અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. હાલના વેતનમાં વધારો કરવાની માંગ

નિવૃત્તિ વયમર્યાદા સહિતના અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે.

સરકાર તાત્કાલિક બેઠક બોલાવીને પગાર વધારો અને અન્ય પડતર માંગણીઓ અંગે નક્કર નિર્ણય કરે. માત્ર આશ્વાસન કે ‘લોલીપોપ’ નહીં, પરંતુ લેખિત/નક્કર નિર્ણય કરવાની માંગ

પગાર વધારો અને અન્ય માંગણીઓ અંગે સરકાર સ્પષ્ટ જવાબ આપે કે નિર્ણય ક્યારે લેવામાં આવશે?

ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછું વેતન મળતું હોવાનો મુદ્દો ઉકેલવામાં આવે અને અન્ય રાજ્યોની સમકક્ષ વેતન આપવાની માંગ