રિપોર્ટ@અમદાવાદ: હુમલાનો ભેદ ઉકેલાયો, સ્પા સંચાલકે આપી હતી સોપારી, 7 શખ્સોની ધરપકડ

 બનાવી સાત આરોપીઓની ધરપકડ કરી
 
રિપોર્ટ@અમદાવાદ: હુમલાનો ભેદ ઉકેલાયો, સ્પા સંચાલકે આપી હતી સોપારી, 7 શખ્સોની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. આ હમાંલાની ઘટનાઓમાં કેટલાક લોકોને ઇજાઓ પહોચતી  હોય છે. 

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના દિવસે એક હુમલાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે સાત જેટલા લોકોની ધરપકડ કરી છે. આ હુમલો કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને શા માટે હુમલો થયો છે. તેની જાણ ખુદ ભોગ બનનાર ફરિયાદીને પણ હતી નહીં, જેથી આ હુમલાનો ભેદ ઉકેલવો પોલીસ માટે ખૂબ જ અઘરો હતો, પરંતુ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સાત આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની પૂછપરછમાં જે ખુલાસાઓ થયા તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદ શહેરમાં છાસવારે જાણે કે હુમલાઓ થવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગત 22 ડિસેમ્બરના દિવસે સાબરમતી વિસ્તારમાં ચેનપુર રેલવે ટ્રેક પાસે વિરલ ગોસ્વામી નામના વ્યક્તિ પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. વિરલ ગોસ્વામી જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા, ત્યારે એકટીવા પર આવેલા ત્રણ અજાણ્યા લોકોએ વિરલ ગોસ્વામીને રોકી તેને માર માર્યો હતો, વિરલ ગોસ્વામીને ઈંટો વડે પણ માર મારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ અજાણ્યા લોકોએ વિરલ ગોસ્વામીની કારમાં બેસી કાર દોડાવીને ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, માર માર્યા બાદ વિરલ ગોસ્વામીનો મોબાઇલ પણ લૂંટી આ ત્રણેય લોકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિરલ ગોસ્વામીએ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ જગ્યાએથી પોલીસે સાત જેટલા આરોપીની ધરપકડ કરી છે.

ઈજાગ્રસ્ત વિરલ ગોસ્વામીના પોલીસને જણાવ્યા મુજબ એકટીવા પર જે ત્રણ લોકો આવ્યા હતા. તે અંદાજે 27થી 30 વર્ષના હતા જેથી પોલીસે એક્ટિવાના નંબર અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે નરોડા વિસ્તારમાં રહેતા મેહુલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મેહુલની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી જેના આધારે પોલીસે અન્ય આરોપી યોગેશ નાચી, મયુર ઉર્ફે ભુવાજી સુથાર, રૂપેશસિંહ ચાવડા, અવધ ઉર્ફે ભદ્રે દવે, જગદીશ ઉર્ફે જેકી ઠાકોર અને હિતેશ ભીલની ધરપકડ કરી છે. આ આરોપીઓ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ એમ અલગ અલગ જગ્યાએ રહે છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદી વિરલ ગોસ્વામીને માર મારવા માટે આરોપી યોગેશ નાચીએ આરોપી મયુર ઉર્ફે ભુવાજી સુથારને 3.30 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. જો કે અન્ય આરોપીઓ કલોલ અને અમદાવાદ વિસ્તારમાં રેકી કરી આ સમગ્ર ઘટનામાં સામેલ હતા.

ફરિયાદી વિરલ ગોસ્વામી કલોલમાં આવેલા એક્ સ્પા સંચાલક વિરુદ્ધ અનેક વખત અરજીઓ કરતા હતા. જેનો ખાર રાખીને સ્પા સંચાલકે વિરલ ગોસ્વામીને માર મારવા માટેની સોપારી આપી હતી. અગાઉ પણ સ્પા સંચાલક અને ફરિયાદી વિરલ ગોસ્વામી વચ્ચે કલોલમાં ઝઘડો થયો હતો. જોકે સ્પા સંચાલક અને ભોગ બનનાર વિરલ ગોસ્વામી બંને એકબીજાથી પણ પરિચિત હતા. સ્પા સંચાલક દ્વારા યોગેશ નાચીને સોપારી આપી હતી અને યોગેશ નાચીએ તેમના સર્કલના અન્ય લોકોને બોલાવી વિરલ ગોસ્વામી પર હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો.

હાલ તો સાબરમતી પોલીસે સમગ્ર હુમલાની ઘટનાનો ભેદ ઉકેલી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાંથી અમુક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ આરોપી આ હુમલાની ઘટનામાં સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.