રિપોર્ટ@અમદાવાદ: CID ક્રાઈમ દ્વારા દરાડો પાડતા આંગડિયા પેઢીઓનાં શટર પડી ગયાં

 CID ક્રાઇમની તપાસથી ફફડાટ

 
રિપોર્ટ@અમદાવાદ: CID ક્રાઈમ દ્વારા દરાડો પાડતા  આંગડિયા પેઢીઓનાં શટર પડી ગયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર CID ક્રાઈમ બ્રાંચ દ્વારા દરાડો પાડવામાં આવતા હોય છે. અમદાવાદ ઝોનના CID ક્રાઈમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો. તેની તપાસમાં ઈન્ટરનેશનલ હવાલા કાંડ હોવાનું સામે આવતાં આંગડિયા પેઢીઓમાં તપાસ કરાઈ હતી. જેમાં CID ક્રાઈમને આંગડિયા મારફત ગેમિંગના ખેલાડીઓને દુબઈ હવાલાથી પહોંચાડાતા હતા. ત્યારે રાજ્યની CID ક્રાઈમ અને અન્ય એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડોની રોકડ અને સોનું સહિત કેટલાક હવાલા મળી આવ્યા છે. આંગડિયા પેઢીઓ પર કરવામાં આવેલા દરોડાની કાર્યવાહી બાદ અમદાવાદની આંગડિયા પેઢીઓમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે, તેને લઈ દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આખું ઈસ્કોન આર્કેડ ખાલીખમ હોય તેવાં દૃશ્યો દેખાયાં હતાં.


અમદાવાદના સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 20થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો આવેલી છે, ઇસ્કોન આર્કેડ ખાતેની આંગડિયા પેઢીઓની ઓફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, મોટાભાગની આંગડિયા પેઢીઓની ઓફિસો બંધ જોવા મળી હતી. CID ક્રાઇમ અને અન્ય એજન્સીઓની તપાસમાં PM એન્ટરપ્રાઇઝ, HM આંગડિયા સહિતની આંગડિયા પેઢીનાં નામ બહાર આવ્યાં છે, તે તમામ ઓફિસો આ કોમ્પ્લેક્સમાં જોવા મળી હતી. જોકે, આ ઓફિસો બંધ હાલતમાં હતી. ઇસ્કોન આર્કેડમાં આંગડિયા પેઢીઓની ઓફિસો આવેલી છે, તે તમામ ઓફિસો પર તાળાં જોવા મળ્યાં હતાં.

દરોડાની કાર્યવાહી બાદ આંગડિયા પેઢીની ઓફિસો બંધ. પીએમ એન્ટરપ્રાઇઝ અને એચએમ આંગડિયા પેઢી બંનેની ઓફિસો બંધ હતી. કોઈપણ કર્મચારી ત્યાં જોવા મળ્યા નહોતા. ઇસ્કોન માર્કેટમાં ત્રણ માળમાં દરેક માળ ઉપર ત્રણથી ચાર આંગડિયા પેઢીઓની ઓફિસ આવેલી છે, જે દરોડાની કાર્યવાહી બાદ બંધ છે. આ મામલે જ્યારે ઇસ્કોન આર્કેડમાં હાજર કેટલીક ઓફિસોના માલિકો અને કર્મચારીઓ સાથે વાત કરવાનો દિવ્ય ભાસ્કરે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ આ બાબતે કોઈપણ વાત કરવા તૈયાર થયા નહોતા. આ આંગડિયા પેઢીઓ કયા પ્રકારની આંગડિયા પેઢીના કામગીરી કરતા હતા? કેવા હવાલા અને કયા પ્રકારની લેવડ દેવડ અહીંયાં ચાલતી હતી? તે અંગે કોઈપણ વાતચીત કરવા માટે તૈયાર થયું નહોતું. જોકે, આ આંગડિયા પેઢીના માણસો ત્યાં આંટાફેરા મારતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.


બીજી તરફ શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલી ઝવેરી વાડ અને મરચીની પોળમાં પણ અનેક આંગડિયા પેઢીઓ આવેલી છે. જે આંગડિયા પેઢીમાં તપાસ કરતાં તમામ આંગડિયા પેઢીઓ ખુલ્લી જોવા મળી હતી. આંગડિયા પેઢીમાં લોકોની અવર-જવર જોવા મળતી હતી. જોકે, હાલ ચૂંટણીની આચારસંહિતા ચાલી રહી હોવાના કારણે આંગડિયા પેઢીમાં મોટાભાગના કોઈ વ્યવહાર કરવામાં ન આવતું હોવાનું જાણવા મળ્યું છે. આંગડિયા પેઢી ચલાવનાર એક માલિકે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, જ્યારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ આંગડિયા પેઢીના વ્યવહારો ખૂબ જ ઓછા અથવા તો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે, આંગડિયા પેઢીમાં અનેક વસ્તુઓની લેવડદેવડ થતી હોય છે, ત્યારે પાર્સલમાં કોણ વ્યક્તિ બિલ બતાવે તે પ્રકારનું હોય કે કેમ તેની જાણકારી ન મળે અને ચૂંટણીના કારણે આંગડિયા પેઢીને પણ નુકસાન જાય. જેના કારણે જ્યારથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી મોટાભાગના વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ આંગડિયા પેઢીઓ જે રતનપોળ અને આસપાસના વિસ્તારમાં આવેલી છે. આ આંગડિયા પેઢીઓ નિયમિત રીતે ચાલુ જ છે. માત્ર વ્યવહારો થતા નથી. જોકે, લોકસભાની ચૂંટણીના મતદાન થયા બાદ ધીમે ધીમે નાના નાના વ્યવહારો શરૂ થયા છે. શહેરમાં અન્ય સ્થળે આવેલી આંગડિયા પેઢીઓ ચાલુ છે. એન્ટરપ્રાઇઝના નામે અને અન્ય કેટલીક પેઢીઓ આવેલી છે તે બંધ જોવા મળી છે. ડાયમંડ જ્વેલર્સ અને અન્ય પાર્સલો જે મોકલવામાં આવે છે તેના કામકાજ ધીમે ધીમે હવે શરૂ થયા છે જોકે આ દરોડાની કાર્યવાહી બાદ અન્ય આંગડિયા પેઢીઓ જેઓ હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલે છે તેઓમાં ફફડાટ ફેલાયો છે.


અમદાવાદ ઝોનના CID ક્રાઈમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો. આ ક્રિકેટ સટ્ટાના કેસની અંદર તપાસ શરૂ કરી અને અવનવા વળાંક સામે આવ્યા, તેમાં આ ક્રિકેટ બેટિંગ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય હવાલા કારોબાર હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આંગડિયા મારફતે અહીંયાથી દુબઈ ઓનલાઇન ગેમિંગના ખેલાડીઓ પાસે રૂપિયા પહોંચતા હતા. તેમજ કેટલાક એકાઉન્ટ મળ્યા છે, જે ડમી એકાઉન્ટ ક્રિકેટ બેટિંગ માટે વપરાતા હતા. અત્યાર સુધી તપાસ દરમિયાન 18.55 કરોડ અને લાખોનું સોનું તેમજ વિદેશી નાણું પણ મળી આવ્યું છે. આ કેસમાં એવી પણ શંકા છે કે આંગડિયા સિવાય ક્રિપ્ટો કરન્સીમાં પણ ક્યાંક લેવડ દેવડ થઈ હોઈ શકે છે. આંગડિયા પેઢીના ત્રણ દિવસની રેડ દરમિયાન મહત્ત્વની વિગતો સામે આવ્યાની સાથે અમદાવાદ શહેરની આંગડિયા પેઢીમાં સીજી રોડ પર કોમ્પ્લેક્ષની દુકાનો બંધ અને માણેકચોક ધમધમે છે.


ઇન્કમટેક્સ અને સીઆઈડી ક્રાઈમની સંયુક્ત રેડ હતી. તમામ રોકડ ઇન્કમટેક્સને સોંપવામાં આવી છે. 10 જેટલા લોકોની ફક્ત પૂછપરછ કરવામાં આવી છે. ઓનલાઇન ગેમિંગ એપ સાથે ડમી બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. ડમી બેન્ક એકાઉન્ટ આધારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન મળેલા મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ પર સતત ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. આ કેસમાં આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ વિભાગ કરશે.