રિપોર્ટ@અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા

મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે. રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર ભાજપના ધારાસભ્યો અને નેતાઓ ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું , જેના પર ભારે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'જ્યારે ભારત એક નિષ્પક્ષ જગ્યા બની જશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા વિચાર કરશે. ભારત અત્યારે નિષ્પક્ષ જગ્યા નથી. ભારતમાં 90 ટકા વસ્તી દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓની છે, જે આ રમતમાં સામેલ જ નથી.'

અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.

અસારવાના પૂર્વ ધારાસભ્ય અને દલિત નેતા પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિની ખબર નથી એવા વ્યક્તિ સાંસદમાં નેતા બની ગયા છે. રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવાં SC, ST અને OBC જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હમેશાં દલિતો અને બાબા સાહેબ આંબેડકરની વિરૂદ્ધ ગયો છે. જવાહરલાલ નહેરુએ બાબા સાહેબને કામ ના કરવા દીધું. 1952માં ચૂંટણી થઈ ત્યારે જનસંઘ દ્વારા બાબા સાહેબ ઉમેદવાર ના રાખ્યા પણ કોંગ્રેસે ઉમેદવાર રાખ્યા હતા. જવાહરલાલ, રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીએ દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.

ગુજરાતમાં 6 લાખ સુધી દલિતો અને ઓબીસીને આવક મર્યાદા આપવામાં આવી છે. ગુજરાતની દલિત દીકરી એર ઇન્ડિયાનું વિમાન ઉડાવે છે જે ભાજપનાં કારણે છે. ગુજરાતમાં દલિતો અમારી સાથે છે. ભાજપે હમેંશા બાબા સાહેબ સન્માન કર્યું છે. દલિતોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા પણ કોંગ્રેસે શું આપ્યું છે? કોંગ્રેસે દલિતોનો ઉપયોગ કરી અને બહાર ફેંકી દીધા છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશ વિશે જેમ ફાવે તેમ બોલે છે. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે 1962માં તેઓએ દેશના તમામ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, મારું માનવું છે કે અનામત હોવી જોઈએ નહિ. વડાપ્રધાને SC, ST, અને OBC માટે અનેક નિર્ણય લીધાં છે. દુનિયાની કોઈ પણ તાકાત સંવિધાન કે આરક્ષણને હટાવી નહિ શકે.