રીપોર્ટ@અમદાવાદ: ચોરી અને RTO પાસિંગ કરાવી વાહનો વેચી દેવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

દિલ્હી NCRમાંથી ચોરી કરી વિવિધ રાજ્યોમાં વેચી હોવાનું ખૂલ્યું છે.
 
રીપોર્ટ@અમદાવાદ: ચોરી અને RTO પાસિંગ કરાવી વાહનો વેચી દેવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ક્રાઇમ બ્રાન્ચના PI વી.બી. આલ, PSI એમ.એન. જાડેજા, પી.બી. ચૌધરી અને વી.બી. ડોડિયાની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી NCRમાંથી ચોરી કરેલી કાર અમદાવાદના એક ડિલરને વેચનાર શખ્સોએ મોટું કૌભાંડ આચર્યુ છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી નાના ચિલોડા નજીકથી માસ્ટર માઈન્ડ એવા ઉત્તર પ્રદેશમાં મેરઠના અશરફ સુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આંતરરાજ્ય વાહન ચોરી અને RTO પાસિંગનું કૌભાંડ આચર્યુ હોવાનો પર્દાફાશ થયો હતો.

આ બંને આરોપીએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના વાહન ચોર સાથે મળીને એક ગેંગ બનાવી હતી. જે ગેંગમાં 20થી વધુ સાગરીતો છે. આ ગેંગના ચોરી કરવાવાળા સાગરીતો કાર ચોરી કરી પકડાયેલા આરોપી અશરફ સુલતાન અને ઈરફાનને આપતા હતા. આ કારના બદલામાં પકડાયેલા આરોપીઓ પોતાના સાગરીતોને એક કારના આશરે 25 હજાર કમિશન આપતા હતા. આરોપીઓ કાર ચોરી કરી ત્યારબાદ તેને અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાંથી RTOના NOC લેટર તથા પાસિંગ કરાવીને કાર વેચી દેતા હતા. આ આરોપીઓ અમદાવાદના એક ડિલરને કાર વેચવા આવતા જ ડિલરને શંકા જતા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસ કરતા લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જાણીને પોલીસ ચોંકી ગઇ હતી. આ ગેંગ જુદા જુદા રાજ્યોમાં કારની સુરક્ષાને ડિકોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરી ચૂકી છે. કોઈ પણ કાર હોય તેનું ફિચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેકનિકલ મદદથી સેન્સરવાળુ લોક ડિકોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા કારોના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને કારની ચોરી કરતા હતા. ત્યાર બાદ આરોપીઓ ભંગાર થયેલી કારોના એન્જિન ચેસિસ નંબરો મેળવી આ ચોરીની કારોમાં તે નંબરો નાખી દેતા હતા. જે સાત રાજ્યોના RTOના અધિકારીની મીલીભગતથી NOC લેટર બનાવીને RTO પાસિંગ કરાવી દેતા હતાં. આ ગેંગ એક રાજ્યમાં કારો ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં વેચાણ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ પાસેથી પોલીસે 1.32 કરોડની 10 લક્ઝ્યુરિયસ કારો કબજે કરી છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ, ફ્લાઇટમાં જઇ ડિલ કરતા, ટ્રાવેલિંગ ચાર્જ વેપારી પાસેથી વસૂલતા

આરોપીઓ ચોરીની કારોના ફોટો સોશિયલ મીડિયા મારફતે ડિલર એવા ગ્રાહકોને મોકલતા હતા. ત્યારબાદ આરોપીઓ કારનું વેચાણ કરવા ફ્લાઈટમાં જતા અને વેપારી સાથે ડિલ કરતા હતા. આરોપીઓ વેપારી પાસેથી જ પોતાનો ટ્રાવેલીંગ ચાર્જ જેમાં થ્રી સ્ટાર હોટલમાં રહેવા અને જમવાનો ખર્ચ વસૂલતા હતા. આ પ્રકારે ગેંગ દ્વારા 500થી વધુ લક્ઝ્યુરિયસ કારો ચોરી કરી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલ્કઝાર જેવી લક્ઝ્યુરિયસ કારોનો સમાવેશ થાય છે.

ભંગાર થયેલી કારના એન્જિન ચેસિસ નંબર ચોરીની કારમાં બદલી દેતા

આરોપીઓ પાર્કિંગમાં રાખેલી ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા, અલ્કઝાર જેવી લક્ઝ્યુરિયસ કારોમાં લેપટોપ દ્વારા કોડ બદલી નવો કોડ નાખી ચોરી કરતા હતા. ત્યારબાદ તેના ફોટો સોશિયલ મિડીયાથી અન્ય રાજ્યોના વેપારીને વેચાણ માટે મોકલી ચારથી પાંચ લાખ રૂપિયા ઓછા ભાવે કાર વેચી દેતા હતા. આરોપીઓ ભંગાર કારોના એન્જિન અને ચેસિસ નંબરો મેળવી ચોરી કરેલી કારોનું તે નંબરના આધારે સાત રાજ્યોના RTOમાંથી NOC લેટર તથા પાસિંગ કરાવી આપતા હતા. કેટલીક કારો હરાજીમાંથી મેળવી હોવાનું કહીને પણ વેચાણ કરાઇ હતી.

દર વર્ષે દિલ્હીમાં 15 હજાર કારની ચોરી થાય છે

પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરનારી ગેંગ દિલ્હીમાં સૌથી વધુ સક્રિય છે. દિલ્હીમાં 12 મિનિટમાં એક કાર ચોરી થાય છે અને એક વર્ષમાં આશરે 15 હજાર કાર ચોરી થાય છે. આ ગેંગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અસંખ્ય કારો ચોરી કરવામાં આવી છે. જો કે દિલ્હી પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ છેલ્લા દોઢ વર્ષથી રાંચીના ઇરફાન ઉર્ફે પિન્ટુને શોધી રહી હતી. આરોપી અશરફ સુલતાન અગાઉ 10થી વધુ ફોર વ્હીલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો.

ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટથી કોડ ચેન્જ કરી માત્ર 12 મિનિટમાં કાર ચોરી કરતા

બંને આરોપીઓ ઓછું ભણેલા છે પણ ચોરી કરવામાં માસ્ટર છે. આ આરોપીઓએ 20 જેટલા ચોરને ગેંગમાં સામેલ કરી આ કૌભાંડ પાંચેક વર્ષથી આચર્યું હતું. બંને આરોપીઓ કાર ચોરી કરવાનું કામ સોંપવાથી માંડી, કેવી રીતે ચોરી કરવી, ચોરીની કાર ક્યાં મૂકવી, RTOમાંથી NOC અને પાસિંગની પ્રોસેસથી માંડી વેચવાની ડિલ કરવા સુધીનું કામ બંને કરતા હતા. જે પણ કાર ચોરવાની હોય તેની બાજુમાં જ પોતાની કાર પાર્ક કરી તેમાં બેઠા બેઠા લેપટોપમાં રહેલા સોફ્ટવેરની મદદથી ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટથી ચાવીની ફ્રિકવન્સી મેચ કરીને તે ફ્રિકવન્સી બદલીને ડિકોડ કરીને બારેક મિનિટમાં ચોરી કરતા હતા.