રિપોર્ટ@અમદાવાદ: કાંકરિયા તળાવમાં આવેલી ફેરી બોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થતાં આગ લાગી, જીવ બચાવવા 8 તળાવમાં કૂદી પડ્યા
કાંકરિયામાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બ્લાસ્ટની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં આવેલી ફેરી બોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેના કારણે બચવા આઠ લોકો તળાવમાં પાણીમાં કૂદી ગયા હતા. ફાયરબ્રિગેડ, પોલીસ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે તમામ વિભાગની ટીમો 10 મિનિટમાં કાંકરિયા તળાવ ખાતે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે આઠ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
એક વ્યક્તિને તળાવમાં સાપ કરડ્યો હોવાથી તેને એન્ટીબાયોટિક ડોઝ પણ આપવામાં આવ્યો હતો. તળાવની દુર્ઘટના અને પગલે કાંકરિયા તળાવમાં દોડધામ મચી ગઈ હતી. જોકે છેવટે અમદાવાદ ફાયર બ્રિગેડ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસની મોક ડ્રીલ હોવાનું બહાર આવ્યું હતું.
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટના રોજ 17 વર્ષ પૂર્ણ થાય છે. તેમજ હરણી બોટની દુર્ઘટના બાદ દર છ મહિને આવી તળાવની દુર્ઘટના મામલે મોકડ્રીલ કરવાની હોવાથી 108 ઈમરજન્સી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કાંકરિયા તળાવમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયા તળાવમાં આઠ લોકો તળાવમાં પડે છે અને તેમને ફાયર બ્રિગેડની ટીમ બચાવે છે. તેમજ કાંકરિયા ખાણીપીણી સ્ટોલમાં પણ ફ્રિજમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા પહોંચી જાય કામગીરી કરે છે તેવી મોકડ્રીલ યોજવામાં આવી હતી.
મોકડ્રીલ વિશે તેઓએ જણાવ્યું હતું કે, સવારે 11. 21 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને મેસેજ મળે છે કે, ફેરી બોટમાંથી કાંકરિયા તળાવમાં આઠ લોકો પડી ગયા છે, જેથી તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની અને 108ની ટીમ 10 મિનિટમાં ત્યાં પહોંચી જાય છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તળાવમાં પાણીમાં પડેલા આઠ લોકોને બહાર કાઢી લેવામાં આવે છે અને 108 દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે, જેમાં એક વ્યક્તિ પાણીમાં હોય છે, ત્યારે તળાવમાં રહેલો સાપ તેમને કરડી જાય છે. જેથી એન્ટીબાયોટિક દવા ત્યાં જ ઉપલબ્ધ હોવાથી તેને ત્યાં સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવે છે.
કાંકરિયા ખાતે આવેલા ખાણીપીણી બજારના એક સ્ટોલમાં ત્યાં ફ્રીજ રાખવામાં આવેલું છે, તેમાં આગ લાગવાની ઘટના બતાવવામાં આવી હતી જેથી ફાયર એક્ઝીગ્યુશનની મદદથી તાત્કાલિક ધોરણે લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. તળાવમાં આઠ લોકો પડી ગયા અને આગ લાગી હોવાની ઘટનાને જોતા કાંકરિયા જોવા આવેલા લોકો પણ ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે આ આ બંને બનાવો ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સી દ્વારા બુક મોકડ્રીલ સ્વરૂપે કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો.