રિપોર્ટ@અમદાવાદ: કબૂતરબાજી કેસમાં 6 એજન્ટો માથે સરકારે 25 હજારનું ઇનામ જાહેર કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના સમયમાં લોકો વિદેશ જવાનું બહુજ પસંદ કરે છે. લોકોની જિંદગી જોખમમાં મૂકી તેમને વિદેશ મોકલતા એજન્ટો સામે સ્ટેટ મોનિટરિંગ સેલે લાલ આંખ કરી છે. બોબી પટેલના છ સાગરિત એજન્ટોના માથે સરકારે 25 હજારનું ઇનામ જાહેર કર્યું છે. આ એજન્ટોને ઝડપી લેવા માટે પોલીસ અને તંત્ર હરકતમાં આવી ગયું છે.
ડીંગુચાનો પરિવાર અમેરિકામાં પ્રવેશ કરતાં મોતને ભેટ્યો, છત્રાલનો યુવક પણ અમેરિકા જવાની લાલચમાં મોતને ભેટ્યો હતો.
આવી ઘટનાઓ માટે બોબી પટેલ અને કે. પી. પટેલ જેવા એજન્ટો જ જવાબદાર હોવાનું માનીને પોલીસે તેમની સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી હતી. આ બોબી અને તેનો દિલ્હીનો સાથીદાર અમનદીપ સિંઘની પાસે 22 એજન્ટોની ટીમ હતી. તેઓ વિદેશ જવા ઇચ્છતા લોકોને બોબી પાસે લાવતા હતા. જ્યારે અમનદીપ સિંઘ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરતો હતો.
બે ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબૂતરબાજી અને મનપસંદ જીમખાના કેસમાં વોન્ટેડ ભરત બોબીને ઝડપી લેવાયો હતો. ત્યારે તેના ઘરે તપાસ કરતાં 79 પાસપોર્ટ અને ઘણી વાંધા જનક વસ્તુઓ મળી આવી હતી. બોબી પાસેથી પાંચ બોગસ પાસપોર્ટ પણ મળ્યા હતા. જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવતાં 22 એજન્ટોની ટીમ આ કબૂતરબાજીનું કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં ઘણા એજન્ટો ઝડપાઇ ગયા છે.
આ લોકોની માહિતી આપનારના નામ ગુપ્ત રાખવામાં આવશે
આ એજન્ટોની ટુકડી વિદેશ જવા ઇચ્છુક યુવાનોને જીવના જોખમે વિદેશ મોકલવાની ગેરકાયદેસર રીતે વ્યવસ્થા કરતી હતી. તેમના લીધે કેટલાક લોકોના જીવ પણ ગયા છે. આ લોકોની માહિતી આપનારના નામ ગુપ્ત રાખવામાં આવશે. કે.ટી. કામરીયા, એસીપી, એસએમસી
કોના કોના માથે ઇનામ જાહેર કરાયું
1) રજની ઉર્ફે સની દિનકરભાઇ પટેલ (રહે. કેલીયા વાસણા, મોટોભાગ, રામજી મંદિર પાસે, ધોળકા અમદાવાદ)
2) રાકેશ ઉર્ફે રોબોટ રાય (રહે. પામ એપાર્ટમેન્ટ, સેક્ટર 6, દ્વારકા, ન્યૂ દિલ્હી)
3) બિપીન સોમાભાઇ દરજી (રહે, સી-18 આસ્થા બંગ્લોઝ, કાશી વિશ્વનાથ મંદિર પાસે, રાધનપુર રોડ. મહેસાણા, મૂળ રહે. આખજ, જિ. મહેસાણા)
4) અમનદીપ અમરજીત સિંઘ (રહે. બી-189, ફતેહનગર, ન્યૂ દિલ્હી)
5) પંકજ શંકરલાલ પટેલ (રહે. વાત્સલ્ય વાટીકા, બુડાસણ રોડ, કડી, મહેસાણા)
6) ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખ (રહે. શેફર્ડ રેસિડેન્સી, મીઠાનગર, ગોરેગાઉં, વેસ્ટ મુંબઇ)