રિપોર્ટ@અમદાવાદ: GST અધિકારી 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરી,બળત્કાર, લાંચના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અધિકારીઓ કામ કરવા માટે લાંચ લઇ રહ્યા છે.રાજ્યના સરકારી વિભાગમાં અનેક અધિકારીઓ રોજબરોજ લાંચ લેતા ઝડપાય છે, ત્યારે GSTના ઇન્સ્પેકટર બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા એન્કલોઝમેન્ટ નંબર આપવા માટે 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. ચાંદખેડા AMTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયો છે. ACBએ લાંચિયા અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીની માતાના નામે હાઉસ કીપિંગ એજન્સી ચાલી રહી હતી. જેમાં 2014થી 2017નો સર્વિસ ટેક્ષ ન ભરતા CGST વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને ફરિયાદીના માટેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. જેથી તેઓ અપીલમાં ગયા હતા. એન્કલોઝમેન્ટ નંબર હોય તો બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ અંગેની કાર્યવાહી થઈ શકે તેમ છે. જેથી ફરિયાદીએ એન્ક્લોઝમેન્ટ નંબર મેળવવા માટે CGSTના ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ઘોલપુરીયાને મળ્યા હતા. ઘનશ્યામ ઘોલપુરીયાએ એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માટે ફરિયાદી પાસે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા, જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ અંગે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ઘનશ્યામ ઘોલપુરીયા 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.