રિપોર્ટ@અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે કરેલી લાલ આંખ બાદ પોલીસની હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં પહેલીવાર પકડાયા તો 500નો દંડ, બે વખતથી વધુ વખત પકડાશો તો લાઇસન્સ રદ થઈ શકે છે

 
રિપોર્ટ@અમદાવાદ: હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટે કરેલી લાલ આંખ બાદ પોલીસની હેલ્મેટ ડ્રાઇવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટે કરેલી લાલઆંખ બાદ આજથી શહેર ટ્રાફિક-પોલીસની હેલ્મેટ મામલે સ્પેશિયલ ડ્રાઇવ કરશે, જેમાં 500 રૂપિયાના દંડથી લઇને લાઇસન્સ સસ્પેન્ડ થવા સુધીને કાર્યવાહી થઈ શકશે. ટ્રાફિક-પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સેન્સ આવે એ માટે મેદાનમાં ઊતરવાના છે. ટ્રાફિક-પોલીસની આ ડ્રાઇવ માત્ર નવરાત્રિ પૂરતી જ નથી, જ્યાં સુધી લોકો ફરજિયાત હેલ્મેટ પહેરવાનું શરૂ ના કરી દે ત્યાં સુધી ચાલશે.

હાઇકોર્ટ લાલઘૂમ થતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. આજથી શહેરમાં જો કોઇ વાહનચાલકે હેલ્મેટ પહેર્યુ નહીં હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. આજથી અનિશ્ચિત સમય સુધી ટ્રાફિક-પોલીસ હેલ્મેટના મામલે સ્પેશિયલ ડ્રાઇવ કરશે. વહેલી સવારે કે મોડીરાતે પણ જો કોઇ ટૂ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વગર નીકળશે, તો ટ્રાફિક- પોલીસ તેમને દંડ કરશે. સામાન્ય રીતે પોલીસની ડ્રાઇવ થોડા દિવસો પૂરતી હોય છે, પરંતુ હેલ્મેટ મામલે ખુદ હાઇકોર્ટ લાલઘૂમ થતાં પોલીસ હવે એક્શન મોડ પર આવી છે. જ્યાં સુધી શહેરમાં ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકો હેલ્મેટ નહીં પહેરે ત્યાં સુધી પોલીસ તેમની આ ડ્રાઇવ ચાલુ રાખશે.

આ મામલે ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીએ જણાવ્યુ હતું કે પોલીસની સતત ડ્રાઇવ ચાલુ જ છે. જ્યાં સુધી તમામ લોકો હેલ્મેટ ના પહેરે ત્યાં સુધી ડ્રાઇવ ચાલુ રાખશે. વહેલી સવારથી લઇને મોડીરાત સુધી પોલીસ પોતાની ડ્યૂટી નિભાવશે અને હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી કરશે. પહેલી વખત જો કોઇ હેલ્મેટ પહેર્યા વગરનો ઝડપાશે તો પોલીસ તેને 500 રૂપિયાનો દંડ કરીને મેમો આપશે અને જો કોઇ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હશે તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહનચાલકો ગમે ત્યારે ટ્રાફિક-પોલીસ સાથે માથાકૂટ કરે અને પછી ભષ્ટ્રાચારના ખોટા ખોટા આરોપ મૂકતા હોય છે. આવી સ્થિતિમાં વાહનચાલક અને ટ્રાફિક- પોલીસ વચ્ચે જો કોઇ માથાકૂટ થાય ત્યારે એનું વીડિયો રેકોર્ડિંગ હોય ત્યારે ખરી હકીકત સામે આવતી હોય છે. ટ્રાફિક-પોલીસ પાસે 1500 બોડીવોર્ન કેમેરા છે, જે પહેરીને હવે ડ્યૂટી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક જંકશન પર પોલીસ હવે બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે.

હાઇકોર્ટની ટકોર બાદ આજથી હેલ્મેટ પહેરવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે. એક બાજુ નવરાત્રિના કારણે ટ્રાફિક-પોલીસ વ્યસ્ત છે એવામાં હવે હેલ્મેટ નહિ પહેરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.