રિપોર્ટ@અમદાવાદ: લોટ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટે લોન લઈ સમયસર ભરપાઈ ન કરતાં સ્કૂલ સીલ

ટ્રસ્ટીએ કહ્યું- લોનની રકમ ભરીશું

 
રિપોર્ટ@અમદાવાદ: લોટ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટે લોન લઈ સમયસર ભરપાઈ ન કરતાં સ્કૂલ સીલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદની એક સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદના ઈસનપુરના લોટસ સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી, જે લોનની સમયસર ભરપાઈ કરી નહોતી, જેના કારણે પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે. 35 વર્ષ જૂની સ્કૂલ સીલ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વિદ્યાર્થીઓ સ્કૂલે આવે ત્યારે સ્કૂલના દરવાજે તાળું જોઈને જ પરત જતાં રહે છે. આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમણિક ભદ્રેશિયાએ જણાવ્યું હતું કે, લોનની રકમ ટૂંક સમયમાં ભરી દઈશ જેથી સ્કૂલનું સીલ પણ ખુલી જશે.


અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે લોટ્સ હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. બિલ્ડિંગમાં પ્રથમ માળેથી ત્રીજા માળ સુધીની સ્કૂલ છે. સ્કૂલના ટ્રસ્ટ દ્વારા અગાઉ લોન લેવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકમાંથી સ્કૂલના ટ્રસ્ટીઓ પૈકી ટ્રસ્ટીએ સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી.ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ ભરવામાં આવી નહોતી. સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી.


મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સીલ કરવા સુધીની નોટિસ આપવામાં આવી હતી. વારંવાર નોટિસ આપતા બાદ પણ સ્કૂલ દ્વારા લોનની રકમ ભરવામાં આવી નહોતી. જેથી ગઈકાલે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલના દરવાજા પર સીલ મારવામાં આવ્યું છે. બેંક દ્વારા સીલ સાથે સીલ ના ખોલવા માટેની નોટિસ લગાવવામાં આવી છે. સ્કૂલ સીલ થતાં બાળકો સ્કૂલે આવ્યા હતા, પરંતુ વિલા મોઢે પરત ફર્યા હતા.