રિપોર્ટ@અમદાવાદ: શખ્સે મહિલાના ગળામાંથી 2.20 લાખનો સોનાનો દોરો ખેંચી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહિલા તેમના ઘરની બહાર કચરો વાળી રહ્યા હતા. ત્યારે બાઇક પર બે શખ્સ આવ્યા હતા જે મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઊભા રહ્યા હતા. મહિલા સાથે વાત કરતા કરતા મોકો મળતા પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચી લીધો હતો. આ અંગે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના રાણીપમાં રહેતા રંજનબેન જૈને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રોનક પાર્ક સોસાયટીમાં રહે છે અને હાઉસવાઈફ છે. 22 ઓક્ટોબરના રોજ તેઓ સવારે 7 વાગ્યે ઘરની બહાર કચરો વાળતા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. બંને વ્યક્તિઓ રંજનબેન પાસે ઉભા રહ્યા હતા અને મોબાઈલમાંથી જોઈને રંજનબેન સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળ બેઠેલા વ્યક્તિએ રંજનબેનના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી દીધી હતી અને બંને ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા. રંજનબેને બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા. આ બનાવ અંગે રાણીપ પોલીસે બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક બાઈક પર બે શખ્સ આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા શખ્સે રંજનબેન પાસે બાઈક ઉભી રહી ત્યારે મોબાઈલમાંથી જોઈને તેમને એડ્રેસ પૂછવાનો ઢોંગ કરી રહ્યો હતો. રંજનબેન સાથે થોડો સમય ઊભા રહીને મોકો મળતા જ પાછળ બેઠેલા શખ્સે રંજનબેનના ગળામાં હાથ નાખીને સોનાની ચેન એક ઝટકે તોડી દીધી હતી. ચેન તોડ્યા બાદ તરત જ બાઈકચાલક પૂરઝડપે બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.