રિપોર્ટ@અમદાવાદ: નવરાત્રિમાં મહિલા સુરક્ષાને લઈ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો
પાર્ટીપ્લોટના પાર્કિંગ, આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત, રસ્તામાં આવતી દુકાનો-રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવે ટૂંક સમયમાં વિશ્વનો પ્રખ્યાત તહેવાર આવી રહ્યો છે. ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રખ્યાત છે. નવરાત્રિને આડે ફક્ત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે તે પ્રકારે પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજીયાત લગાવવામાં આવશે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રમોયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા પણ નાના-મોટા ગરબા આયોજન થતા હોય અથવા તો શેરી અથવા સોસાયટીમાં પણ જ્યાં ગરબાનું આયોજન થતું હોય તે તમામની યાદી બનાવીને ક્રાઈમ બ્રાન્ચ ત્યાં સુરક્ષા અંગે તપાસ કરશે અને જે સ્થળ ઉપર સીસીટીવી નહીં હોય ત્યાં સીસીટીવી લગાવવા માટે જણાવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ યાદી બનાવીને જે તે પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહોંચી જઈને સુરક્ષા અંગે ખાસ બંદોબસ્તનું આયોજન કરશે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં નજર રાખશે. જેથી કોઈપણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી ન કરી શકે અને જો આમ કરતા જણાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન મહિલા સુરક્ષા અંગે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનના એસીપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી વેન્યુની યાદી બનાવવામાં આવશે. જેમાં આયોજકોને સાથે રાખીને વેન્યુની આસપાસના વિસ્તારમાં તથા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર અથવા કોમર્શિયલ સ્થળ પર સીસીટીવી કેમેરા ફરજિયાત પણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા તો ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડ રસ્તા તરફ જે દુકાનો અથવા ફૂડ સ્ટોલ હોય ત્યાં ખાસ 24 કલાક સીસીટીવીથી નજર રાખવામાં આવશે. તદુપરાંત વેન્યુની આસપાસ કે જ્યાં લાઈટ ઓછી છે અથવા તો લાઈટ નથી ત્યાં પણ પૂરતી લાઇટિંગ વ્યવસ્થા કરીને સીસીટીવી લગાવવામાં આવે તે પ્રકારે આયોજન કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને IUCAW દ્વારા નવરાત્રિ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે. જેમાં મહિલા પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં પાર્ટી પ્લોટમાં જઈને લોકોની ભીડ વચ્ચે જ ફરશે. જેથી કોઈ રોમિયોગીરી કરતા લોકોની આસપાસ પણ જઈને તેમને દબોચી શકે છે. આ ઉપરાંત એન્ટી રોમિયોસ સ્કોડની પણ રચના કરવામાં આવશે. તમામ ટીમના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં જ પાર્ટી પ્લોટમાં વિઝિટ કરવામાં આવશે. તેથી જરૂરી નથી કે પોલીસ ફક્ત પોલીસ વર્દીમાં જ તમારી આસપાસ રહે અથવા તો પોલીસની ગાડીમાં સ્થળ ઉપર પહોંચે, પરંતુ કોઈપણ વાહનમાં અને ટ્રેડિશનલ વેશમાં વેન્યુ પર પહોંચીને ચાંપતો બંદોબસ્ત રાખી શકે છે.