રિપોર્ટ@અમદાવાદ: પોલીસને 5 શખ્શોની છેતરપિંડી આચરનારી ટોળકી ઝડપવામાં સફળતા મળી

કઈ રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી
 
 4.30 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ રુરલ પોલીસને પાંચ શખ્શોની છેતરપિંડી આચરનારી ટોળકી ઝડપવામાં સફળતા મળી છે. અમદાવાદ રુરલ LCBની ટીમ દ્વારા બગોદરા-ધંધુકા સ્ટેટ હાઈવે પરથી આ ટોળકીને બાતમી આધારે તલાશી લઈને ઝડપી લીધા છે. ટોળકી પાસેથી ઢોળ ચડાવેલ નકલી સોનું પણ મળી આવ્યુ છે અને જેને જપ્ત કરી લેવામાં આવ્યુ છે.

આમ તો રાજ્યમાં અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા લોકો પકડાયા છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ની ટીમને સસ્તા સોનાની લાલચે છેતરપિંડી કરતી ગેંગ પકડી પાડી છે. બગોદરાથી ધંધુકા તરફ જતા રોડ ઉપરથી બે અલગ અલગ કારમાં અમુક લોકો શંકાસ્પદ ડુપ્લીકેટ તથા અસલ સોનાના બિસ્કીટો લઈને આવી રહ્યા છે જેની જાણ થતા પોલીસે બંને કારને રોકી હતી અને તપાસ કરતા સાચા અને ખોટા સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. પોલીસે તમામની પૂછપરછ કરતા એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું.

શરૂઆતમાં આ ગેંગના સભ્યો કોઈ દલાલો કે વચેટીયા મારફતે લોકોને ઓછા પૈસામાં સોનુ આપવાની લાલચ આપતા હતા. જો સામેનો વ્યક્તિ માની જાય તો તેને સાચુ સોનુ બતાવી પ્રમાણીક રીતે વ્યવહારો કરી વિશ્વાસમાં લેવામાં આવતા હતા. જે બાદ તે વ્યક્તિને વધુ સોનુ ખરીદવા લાલચ આપી મોટી રકમ લઇને ખોટુ સોનુ આપી અથવા સોનું આપ્યા વગર પૈસા મેળવી છેતરપીંડી કરવામાં આવતી હતી. તેમજ લોકો સાથે મિત્રતા કેળવી ભોગ બનનારને લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ નાની નોટો કે સિક્કાના બદલામાં મોટી નોટો આપવી, મોટી નોટોના બદલામાં સો-સો ની નોટો આપવી, સસ્તુ સોનુ આપવાની લાલચ આપવી સહિતના અલગ અલગ રસ્તાઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને છેતરાયેલા લોકો પાસેથી રોકડ રકમ પણ મેળવી લેતા હતા.

પોલીસે અલગ અલગ બે કાર માંથી પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે તેમાં ભુજનો શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ, બાવળાનો શક્તિસિંહ ગોહીલ, વિષ્ણુભાઇ ઉર્ફે લાલો મસાણી, અંકીત જગદીશભાઈ પારેખપ્રકાશકુમાર ઉર્ફે ભાણો તેમજ અરવલ્લીનાં બાબુભાઇ લાંન્ચાની ધરપકડ કરી છે.
પોલીસને પાંચ આરોપીઓ પાસેથી 3 નંગ અસલ સોનાના બિસ્કીટ જેનો વજન કુલ 300 ગ્રામ અને તેની કિંમત 18,99,000 છે..
ખોટા અન્ય ધાતુના સોનાનો વરખ ચડાવેલ118 નંગ બિસ્કીટ કે જેની કિંમત 2,84,000 થાય છે. આ ઉપરાંત 6 મોબાઈલ, રોકડ, બે કાર સહિત કુલ
24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપી શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ વિરૂધ્ધ નીચે ભુજ, નખત્રાણા, સરખેજ, ગારીયાધાર, ડી.સી.બી. પોલીસ સ્ટેશન સહિતના અલગ અલગ પોલીસ મથકોમાં અગાઉ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
તેમજ ખેડા જીલ્લામાં લોન ઉપર ટ્રેક્ટર મેળવી ચિટીગના ગુનામાં પણ પકડાયેલ છે.
આરોપી શેરખાને પોલીસ પાસે કબૂલાત કરી છે કે તેણે રાજકોટ, પાટણ, દિલ્લી, અને મુંબઇના રહેવાસીઓ સાથે ગોલ્ડ ચીંટીગ કરેલું છે. 

પકડાયેલા આરોપીઓ માંથી કોઈ પણ આરોપીઓએ કોઇ પણ સાથે આવા પ્રકારની છેતરપીંડી આચરેલ હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્યનો સંપર્ક કરવા વિનંતી છે. તેમજ આવા પ્રકારની કોઇપણ લાલચમાં નહિ પડવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.