રિપોર્ટ@અમદાવાદ: પોલીસ કર્મીએ એક મહિલાને જોરદાર તમાચો ઝીંકી દીધો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક લોકો રસ્તાઓ પર ભીખ માગતા જોવા મળતા હોય છે. રાજ્યમાં હાલ રસ્તા પર ભીખ માગતાં બાળકો અને પરિવારને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં 35 જેટલાં બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે તેમજ હજી બાળકોને દોજખભરી જિંદગીમાંથી બહાર કાઢવા માટે પોલીસ પ્રયાસ કરતી હોય એવું કહી રહી છે, પરંતુ આજે રેસ્ક્યૂનાં વરવાં દૃશ્યો સામે આવ્યાં છે.
જ્યારે ચાર રસ્તા પર પોલીસ ગરીબોને ભીખ માગતા રોકીને સરકારી વાહનમાં બેસાડી રહી હતી ત્યારે એક મહિલાને જોરદાર તમાચો ઝીંકી દીધો હોય એવો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે હવે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે કે આ તો કેવી મદદ છે? આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજ્યાને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ આ વીડિયો સામે આવ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે ટકોર કરી હતી કે પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝ લઈને આવતા લોકોની જે રીતે સરભરા કરવામાં આવે છે એવી જ રીતે ગરીબ અને મધ્યમવર્ગના માણસોને સાંભળવા જોઇએ.