રિપોર્ટ@અમદાવાદ: વરસાદના કારણે મણિનગર ગોરના કુવા રોડ પર 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

આખો ટ્રક અંદર ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડતાં આસપાસના સ્થાનિક વેપારીઓએ તંત્રને જાણ કરી હતી.
 
રિપોર્ટ@અમદાવાદ: વરસાદના કારણે મણિનગર ગોરના કુવા રોડ પર 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદના કારણે કેટલીક જગ્યાએ રોડ તૂટી ગયા છે. કેટલીક જગ્યાએ ભૂવા પડ્યા છે.વરસાદના કારણે મણિનગર ગોરના કુવા રોડ પર 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા અને જશોદાનગર વિસ્તારમાં ઠેરઠેર ભૂવા પડી રહ્યા છે. મણિનગરથી જશોદાનગરના મુખ્ય રોડ પર રાજ ચેમ્બરની સામે રોડને ડિવાઈડ કરતા ડિવાઈડરની નીચે મસમોટા ત્રણ ભૂવા બાદ વધુ એક મોટો ભૂવો પડ્યો છે. આખો ટ્રક અંદર ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડતાં આસપાસના સ્થાનિક વેપારીઓએ તંત્રને જાણ કરી હતી.

50 ફુટ પહોળો વિશાળ ઊંડો આ ભૂવો નીચેની માટીના ધોવાણના કારણે વધુ જોખમી બન્યો છે. બીજા પડેલા ભૂવાનું કામ એક અઠવાડિયાથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ભૂવો પડ્યો તેના કારણે નાગરિકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ટ્રાફિકની પણ વિકરાળ સમસ્યા ત્યાં સર્જાઈ છે.


સ્થાનિક રહેવાસી અનિતા વૈષ્ણવે જણાવ્યું હતું કે, મણિનગરથી જશોદા નગર તરફ જવાના રોડ ઉપર રાજ ચેમ્બર પાસે અમારી દુકાન આવેલી છે, ત્યાં સામે રોડ ઉપર ભૂવો પડ્યો છે. જેના કારણે વાહન ચાલકોને અને ત્યાં આવતા ગ્રાહકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે, જલ્દીથી જલ્દી આ કામગીરી કરવામાં આવે જેથી લોકોને તકલીફ ન પડે.


સોમવારે મોડી સાંજે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના કારણે આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં પાણી ભરાયા છે. વ્હાઇટ ટોપિંગ રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો. સરસપુર વિસ્તારમાં પિકર્સની ચાલીમાં વરસાદી પાણી ભરાયા હતા. સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ સોમવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે રોડ ઉપર અને ચાલીમાં પાણી ભરાયા હતા. રોડ બનવાના કારણે થોડો રોડ ઉંચો થઈ ગયો છે અને વરસાદી પાણી બધું ઢાળ ચાલીઓ તરફ હોવાના કારણે સાલીમાં પાણી ભરાયા હતા. બાપુનગર તરફ જતાં સંજયનગરના છાપરા તરફ પણ વ્હાઇટ ટોપિંગ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળી નથી.