રિપોર્ટ@અમદાવાદ: રામોલ પોલીસે ડબલ ડેકર પેસેન્જર બસમાંથી વિદેશી દારૂની ૨૮૮ બોટલો સાથે 4 આરોપીની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર દારૂના કેસ સામે આવતા હોય છે. દારૂની હેરાફેરીના બનાવો દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે. રામોલ પોલીસે ડબલ ડેકર પેસેન્જર બસમાંથી વિદેશી દારૂની ૨૮૮ બોટલો સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી આવેલી પેસેન્જર બસમાં દારૂનો જથ્થો અમદાવાદના બે શખ્સોએ મંગાવ્યો હતો. બસમાંથી લોડિંગ ટેમ્પામાં દારૂની બોટલો મુકતા હતા તે સમયે જ રામોલ પોલીસની ટીમે દરોડો પાડીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
રામોલ પોલીસે ડબલ ડેકર બસ, ૩ મોબાઈલ ફોન, એક લોડિંગ ટેમ્પો સહિત કુલ 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના મુખ્ય બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે. જ્યારે રાજસ્થાનના મહિપાલસિંગ રાજપૂત અને સુજારામ સરગરા તેમજ અમદાવાદના જીતેન્દ્ર ચોરસિયા અને ભૂપેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરી છે.
નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં યુવાનો દારૂ પીને છાકટા બનીને ફરે નહીં તેના માટે શહેર પોલીસે રાત્રિના સમયે નાક્બંધી પોઈન્ટો ગોઠવેલા છે. ગુરવારની રાત્રે રામોલમાં ઉત્સવ સિટીના મેદાનમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી રામોલ પોલીસને મળી હતી. જેના અનુસંધાને પીઆઈ સી.આર. રાણાએ જુદી જુદી ટીમો બનાવીને મેદાનમાં રેડ કરી હતી. ડબલ ડેકર બસમાંથી વિદેશી દારૂની પેટીઓ ખાલી કરીને એક લોડિંગ ટેમ્પા ભરવામાં આવી રહી હતી. દરોડા પાડીને વિદેશી દારૂની 288 બોટલો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરીને ફરાર ઇકબાલખાન જે રાજસ્થાનનો રહેવાસી છે તેની તપાસ હાથ ધરી છે. ટેમ્પો લઈને દારૂનો જથ્થો લેવા આવેલા અમરાઈવાડી વિસ્તારનો જીતેન્દ્ર ચોરસિયા અને વટવા વિસ્તારમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ગોહિલ સહિત ચાર લોકોની રામોલ પોલીસે દબોચી લીધા છે.
રાજસ્થાનના ઝાલોરથી પેસેન્જર સાથે નીકળેલી ડબલ ડેકર બસમાં વિદેશી દારૂની 288 બોટલો સંતાડીને આરોપી મહિપાલસિંગ રાજપૂત, સુજારામ સરગરા સહિત ઈકબાલ ખાન નામનો શખ્સ અમદાવાદ સુધી દારૂનો જથ્થો લઈને આવી પહોંચ્યા હતા. અંદાજે 194 કિલોમીટર દૂરથી પેસેન્જર બસની આડમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદના રામોલ વિસ્તાર સુધી પહોંચી ગયો અને જિલ્લા પોલીસ અને બોર્ડર પોલીસની આંખમાં ધૂળ નાંખીને બૂટલેગરો દારૂનો વેપલો કરી દીધો. સદનસીબે રામોલ પોલીસને બાતમી મળી અને દારૂ લોકો સુધી પહોંચે તે પહેલા જ દારૂ અને આરોપીઓ પોલીસના હાથ ઝડપાઈ ગયા.
રાજસ્થાનથી ગુજરાત સુધી પાયલોટિંગ કરનાર બૂટલેગર ફરાર
રાજસ્થાનના ઝાલોરથી ડબલ ડેકર પેસેન્જર બસમાં વિદેશી દારૂ ગુજરાત સુધી ડિલિવરી આપવા ઈકબાલ ખાન આવ્યો અને રેડ પડતાની સાથે જ કે તેની પહેલાં ફરાર થઇ ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે. સાથે જ પોલીસે જણાવ્યું કે રાજસ્થાનથી દારૂનો જથ્થો પેસેન્જર બસમાં લઈને છેક ગુજરાત અમદાવાદ સુધી આવ્યો હતો, પરંતુ ડિલિવર જે સ્થળે થવાની હતી ત્યાં આગળ આવ્યો નહતો જેથી તેની ધરપકડ થઈ શકી નથી.