રિપોર્ટ@અમદાવાદ: સ્ટાઇપેન્ડ મુદ્દે રેસિડન્ટ ડોક્ટરોની હડતાલ, સરકારના વાયદાઓ પર ભરોસો નથી
40% ને બદલે 20% સ્ટાઈપેન્ડ જ વધાર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર હડતાલ પર ઊતરવાની તૈયારીમાં છે. આ વખતે રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડ મામલે સોમવારથી હડતાલ પર ઊતરશે. આ હડતાલ દરમિયાન ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવશે.આ અંગે JDA(જુનિયર્સ ડોક્ટર્સ એસોસિએશન)ના વાઇસ પ્રેસિડેન્ટ શશાંક આશરાએ જણાવ્યું હતું કે, સ્ટાઇપેન્ડમાં દર 3 વર્ષે વધારો થતો હોય છે જેથી અમને 1 એપ્રિલ 2024થી લાભ મળવાનો હતો પરંતુ અમને ઓગસ્ટમાં લાભ મળ્યો છે. 2009થી એમને 40 ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે 20 ટકા જ વધારો આપવામાં આવ્યો છે.હવે સ્ટાઈપેન્ડમાં વધારો 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે થશે. જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. આવતીકાલથી અમે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ માટે હડતાળ પર ઉતરીશું.અમે આ અંગે સરકારમાં 25 વખત રજૂઆત કરી છે .પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી.અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણા સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ.બીજે મેડીકલના 1200થી વધુ તથા ગુજરાતના 3500 થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે અને રાજ્યના 3 હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.
બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના પ્રતિનિધિઓેએ જણાવ્યું કે,સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતાં. આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40%ના વધારા માટે હતી.
તારીખ 9 જુલાઈ, 2024ના રોજ આરોગ્યમંત્રી સાથે થયેલી મુલાકાતમાં અમને સ્ટાઈપેન્ડમાં 40%ના વધારાનું આશ્વાસન આપ્યું હતું. જેથી લોકશાહી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રાખ્યો હતું. ત્યાર બાદ સતત 10 થી 12 મુલાકાતો તેમજ છેલ્લા છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20%નો અસંતોષકારક વધારો આપ્યો છે. આ ઉપરાંત અમારા વિશ્વાસનું હનન થાય એ રીતે આગામી સ્ટાઈપેન્ડ વધારાની મુદત 5 વર્ષ કરવામાં આવી છે.
આ તમામ મુદ્દાઓના આધારે અમને સરકાર ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે. આથી બી. જે. મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ તારીખ 2 સપ્ટેમ્બર, 2024 (સોમવાર)થી અમારા હક માટે ગાંધી ચીંધ્યા માર્ગે અમારી તમામ ફરજમાંથી અળગા રહેવા માટે મજબૂર બન્યા છીએ. આ વિરોધથી થનારી કોઈપણ વિપરીત અસરોની જવાબદારી સરકારની રહેશે.
ગત 31 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝિયોથેરાપીમાં રૂ. 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ.15,120 સ્ટાઇપેન્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ 01/04/2024ની અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસિડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝિયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.
રાજ્યની સરકારી મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની મેડિકલ કોલેજો અને જીએમઇઆરએસ હેઠળની મેડિકલ કોલેજો ખાતે અભ્યાસ કરતા ઇન્ટર્ન્સની સંખ્યા 4302 છે, જ્યારે રેસિડન્ટ ડોક્ટર્સની સંખ્યા 5332 છે. આ વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો કરતાં સરકારની તિજોરી પર રૂ. 122.83 કરોડનું વધારાનું ભારણ પડશે.
રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલા વધારાનો લાભ મળશે.
ડિગ્રીના મેડિકલ રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસિડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂ. 1,10,880નો લાભ મળશે.
મેડિકલ રેસિડન્ટ (ડિપ્લોમા)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે. ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનિયર રેસિડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસિડન્ટ્સને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે.