રિપોર્ટ@અમદાવાદ: મહિલાના વેશમાં લૂંટારાએ 28 લાખના ચાંદીના દાગીના ભરેલી થેલીની લૂંટ આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના ગુનાઓ સામે આવતા હોય છે. દિવાળીના સમયમાં લોકો તહેવારમાં ખરીદી કરવા બજારમાં જતા હોય છે. તેમની સલામતી ન જોખમાય તે માટે પોલીસ દ્વારા સમય અંતરે પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ગુનેગારો કોઇકના કોઇ રીતે પોતાનો મનસુબો પાર પાડી દીધો હયો તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં કર્ણાવતી ક્લબની સામે 40 લાખની લૂંટ થઈ હતી, ત્યારે એના ગણતરીના દિવસોમાં હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર વિસ્તારમાં 28 લાખના ચાંદીના દાગીના ભરેલી થેલીની લૂંટ એક મહિલાએ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે માણેકચોકમાંથી એક સેલ્સમેન 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીની દુકાન પર માર્કેટિંગ માટે જતો હતો. તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા જેણે હાથ પર મોજા અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક દવેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે. મહિલા હોવાની શંકાના આધારે અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.