રિપોર્ટ@અમદાવાદ: દીકરાએ માતાના પ્રેમીની હત્યા કરી અને મૃતદેહ સળગાવ્યો

પુત્રએ ધારિયુ મારી માથું વધેરી નાખ્યું

 
રિપોર્ટ@અમદાવાદ: દીકરાએ માતાના પ્રેમીની હત્યા કરી અને મૃતદેહ સળગાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે. અમદાવાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અવારનવાર પતિ સાથે ઘરે આવતા મિત્ર સાથે મહિલાની નીકટતા વધી હતી. પતિના મૃત્યુ બાદ મહિલાને પતિના મિત્ર સાથે પ્રેમ પાંગર્યો હતો. મહિલાને એક પુત્ર પણ હતો, જે અમદાવાદમાં નોકરી કરતો હતો. જો કે, મહિલાએ પુત્રને મળવા જવાનું કહી પ્રેમીને પણ સાથે લઈ જઈ પ્લાન મુજબ દીકરાના હાથે મોતને ઘાટ ઉતાર્યો હતો. મહિલાના દીકરાએ હત્યા બાદ મૃતદેહને સળગાવી હાડકાં પણ નહેરમાં વહાવી દીધા હતા. જે બાદ ક્રાઈમ SOGએ એક કડીના આધારે આ ફિલ્મી ઢબે થયેલા હત્યાનો ભેદ ઉકેલી આરોપી માતા-દીકરાની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં જજ એન.કે. નિમાવતે સરકારી વકીલ ટી.એલ.બારોટની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, મૃતકના ભાઈ વિનોદજી ઠાકોરે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મોટાભાઈ પ્રભુરામ ઠાકોર 21 મે, 2024ના રોજ સવારે નોકરીના કામથી દુધનું ટેન્કર લઇ પાલનપુર જવા રવાના થયા હતા. ત્યાર બાદ 23મેના રોજ તેની સાથે ડ્રાઇવર તરીકે નોકરી કરતા અનેક કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી કે તેમનાં મોટા ભાઈ નોકરી ઉપર આવ્યા નથી. જેથી તેમને પરિવારજનોએ સાથે મળીને તેઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે, તેઓ ન મળતા 24 મેના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં જઈ પ્રભુરામ ઠાકોર ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.


જેના આધારે ભાભર પોલીસ દ્વારા પ્રભુરામના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ કઢાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તેમનાં પ્રેમી લક્ષ્મીબા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે વધારે વખત વાતચીત થયેલી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ SOG પોલીસને મળેલી બાતની અને ફરિયાદના આધારે પોલીસે લક્ષ્મીબાની અને તેના દીકરાની પૂછપરછ કરતા બન્નેએ જ પ્રભુરામની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.


માતા અને દીકરાએ હત્યાનો ઘડેલો પ્લાન સાંભળીને પોલીસના પણ વિચારતી રહી ગઈ હતી. પ્રભુરામની હત્યા પાછળની કહાની એવી છે કે, મૂળ બનાસકાંઠાના ભાભરમાં રહેતા મૃતક પ્રભુરામ અને મુખ્ય આરોપી અર્જુનસિંહના પિતા બંને મિત્ર હતા. અવારનવાર પ્રભુરામ તેમના ઘરે આવતા હતાં, જેથી તેની માતા લક્ષ્મીબા અને પ્રભુરામ વચ્ચે નીકટતા વધી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં આરોપી અર્જુનસિંહના પિતાનું અવસાન થતા માતા અને પ્રેમી વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. આ પ્રેમ સંબંધ ત્રણથી ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. જેમાં માતાનો પ્રેમ સંબંધ પસંદ ન આવતા પુત્રએ માતા સાથે જ મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.


જેમાં 21 મે, 2024ના રોજ લક્ષ્મીબા વાઘેલા પ્રેમી પ્રભુરામ ઠાકોરને બાભરથી દીકરાને કામ હોવાથી અમદાવાદ મળવા જવાનું હોવાનું કહીને સાથે લઈને આવી હતી. જ્યાં બોપલમાં રહેતા તેના દીકરા અર્જુનસિંહ વાઘેલાના ઘરે લઈ ગઈ હતી. બીજા દિવસે વહેલી સવારે અર્જુનસિંહ પ્રભુરામને કુદરતી હાજતે જવાનું કહીને લઈ ગયો હતો. જ્યાં વહેલી સવારે અર્જુનસિંહે પ્રભુરામના માથામાં ધારીયાનો ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ આજુબાજુમાં પડેલા લાંકડા ભેગા કરીને મૃતદેહને સળગાવી દીધો હતો. જે બાદ કોઈને ભનક પણ ન લાગે તેમ મૃતકનો ફોન પણ એક જગ્યાએ ફેંકી દીધો હતો.


આ ઘટનાના બેથી ત્રણ દિવસ બાદ ફરી આરોપી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પ્રભુરામના પડેલા હાડકાં લઈને કેનાલમાં નાખી દીધા હતા. આ સમગ્ર ઘટના બાદ અર્જુનસિંહ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંથી SOGને બાતમી મળી હતી કે, અર્જુનસિંહે કોઈકની હત્યા કરી છે. આ બાતમી અને ભાભર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે હત્યાની સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. હાલમાં બોપલ પોલીસે 302 મુજબ ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી અર્જુનસિંહ વાઘેલા અને તેની માતા લક્ષ્મીબા બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.