રિપોર્ટ@અમદાવાદ: વૃદ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી ભાગી ગયેલો આરોપી ઝડપાયો

રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો છે.
 
 રિપોર્ટ@અમદાવાદ: વૃદ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી ભાગી ગયેલો આરોપી  ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. મીઠાખળી ગામમાં આવેલી ભારતી સોસાયટીમાં ઘરના દરવાજે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી 90 હજારની સોનાની ચેઇન લૂંટીને ફરાર થયેલા આરોપીને ઝોન-1 એલસીબીની ટીમે ગણતરીના સમયમાં જ રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો છે.

ગાંજાનો નશો કરનાર આરોપીએ માતાના ગિરવી મૂકેલા દાગીના છોડાવવા આ ચેઇન સ્નેચિંગ કર્યુ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આરોપી તેના જ મિત્ર પાસેથી છેતરપિંડી કરીને ગાડી લઇને ચેઇન સ્નેચિંગ કરવા આવ્યો હતો. ચેઇન લૂંટીને ભાગી ગયો ત્યારે પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને ચાર હજાર આપ્યા વગર જ ભાગી ગયો હતો.

મીઠાખળી ગામમાં ભારતી સોસાયટીમાં રસિક વિલામાં 83 વર્ષીય અરુણાબેન નવીનચંદ્ર મહેતા રહે છે. ગત શુક્રવારે સવારે અરુણાબેનના પરિવારજનો ઘરે ન હતા ત્યારે બે ઘરઘાટીની હાજરીમાં એક શખ્સ આવ્યો હતો અને ડો. સૌરીનભાઇ, ડો. શ્વેતાબેન કે તેમના બાળકો તેમજ દાદા ઘરે છે? તેમ પૂછ્યુ હતું. જેથી અરુણાબેને ઘરે કોઇ હાજર ન હોવાનો જવાબ આપતા શખ્સ નીકળી ગયો હતો. બંને ઘરઘાટી નીકળી ગયા ત્યારે આ શખ્સ પરત આવ્યો હતો અને દરવાજે ઊભેલા અરુણાબેનના ગળામાંથી 90 હજારની સોનાની ચેઇન લૂંટી ભાગી ગયો હતો. આ મામલે ઝોન-1 એલસીબી પીએસઆઇ એચ. એચ. જાડેજા, એ.એસ.આઇ જીવણભાઇ મેઘજીભાઇ, હે.કો. અરવિંદભાઇ ડાહ્યાભાઇ અને કોન્સ્ટેબલ અમિતસિંહ શીવાભાઇએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. એક ગાડી દેખાઇ હતી, પરંતુ તેની નંબર પ્લેટ પર કપડુ ઢાંકેલુ હતુ. પોલીસે વધુ ફૂટેજ એકત્રિત કરી ગાડીની સિરિઝ પરથી તમામ લાલ રંગની ગાડીની વિગતો મેળવી ગાડીના માલિક જિતેશભાઇ સુધી પહોંચી હતી. ગાડીના માલિકનો સંપર્ક થતાં ગાડી રાજસ્થાન ડુંગરપુરનો પિન્ટુ પાટીદાર લઇ ગયો હોવાનું ખુલતા પોલીસે ટીમ ડુંગરપુર રવાના કરી ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને તેના ઘર પાસેથી જ ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે માતાના ગિરવી મૂકેલા દાગીના છોડાવવા અમદાવાદ ગુનો આચરવા આવ્યો હતો. અરુણાબેનના ઘરની બહાર ડોક્ટર લખેલી પ્લેટ જોતા ત્યાં સારી એવી મતા મળવાની લાલચે રેકી કરીને ગુનો આચર્યો હતો.

ઝોન-1 એલસીબી પીએસઆઇ એચ એચ જાડેજાએ જણાવ્યુ કે આરોપી પિન્ટુ પૂજાપાઠનું કામ કરે છે અને તેના છુટાછેડા થયા હોવાથી માતા સાથે જ રહે છે. તેણે તેના મિત્ર જિતેશ પાસે એક દિવસ માટે ગાડી માંગી હતી. પરંતુ બાદમાં અનેક દિવસો સુધી ગાડી પરત આપી ન હતી. આરોપીએ માતાના દાગીના ગિરવી મૂક્યા હોવાથી માતા અવારનવાર દાગીના પરત લાવવા કહેતી હોવાથી તેણે ગુજરાતમાં આ ગુનો આચરવાનું નક્કી કર્યુ હતું. આરોપી તેના ગામમાં ભૈરવનાથ દાદાના મંદિરમાં જ આખો દિવસ વિતાવતો અને ગાંજાનો નશો કરતો હતો.

આરોપી પિન્ટુ જે રીતે ગાડી ચિટીંગ કરીને લાવ્યો હતો તે જ રીતે ગુનો આચર્યા બાદ ચિલોડા પાસે ચાર હજારનું પેટ્રોલ પુરાવીને રૂપિયા આપ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ જ્યારે પિન્ટુને પકડવા રાજસ્થાન ગઇ ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આરોપીએ પોલીસથી બચવા ગાડી પણ ક્યાંક ભટકાવતા નુકસાન પહોંચ્યુ હતું.

નંબર પ્લેટ પર કપડુ ઢાંક્યુ હતુ, પોલીસે RU સિરિઝની તમામ ગાડીઓનો ડેટા મેળવ્યો

આરોપી ગુનો આચરે તે પહેલા તેણે સીસીટીવીથી અને પોલીસથી બચવા માટે ગાડીની નંબર પ્લેટ પર કપડુ લગાવ્યુ હોવાથી ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો ન હતો. પોલીસે શહેર પોલીસ કંટ્રોલરૂમમાં અનેક સીસીટીવી જોયા હતા. છતાંય ગાડીનો નંબર ન મળતા GJ.01.RU સિરિઝની તમામ ગાડીનો ડેટા એકત્રિત કર્યો અને તેમાં લાલ રંગની ગાડીનો ડેટા મેળવી આ ગાડીના માલિક જીતેશભાઇ સુધી પોલીસ પહોંચી હતી. બાદમાં આરોપીની વિગતો મેળવીને ટેકનિકલ એનાલિસિસથી આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો.