રિપોર્ટ@અમદાવાદ: રાજ્યની 25 આંગડિયા પેઢી પર CID ક્રાઇમે દરાડો પાડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડની અનેક આંગડિયા પેઢી સહિત રાજ્યભરમાં 25થી વધુ જગ્યાઓ પર આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 કરોડ રોકડા અને એક કિલો સોનું મળી આવતા ઇન્કમટેક્સ વિભાગની ટીમ તપાસમાં જોડાઈ હતી. બપોરના સમયથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા. આ દરોડાને લઇ આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સીજી રોડ પરની એક પઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર પણ કરાયા છે.
અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં અનેક આંગડિયા પેઢી આવેલી છે. જેમાં એચ.એમ એન્ટર પ્રાઈઝ, પીએમ એન્ટર પ્રાઇઝ, ન્યુ આંગડિયા સહિતની અલગ અલગ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખોટા એકાઉન્ટને લઇને ફરિયાદ થઇ હતી. જેમાં આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારો કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ આ અંગે તપાસ ચાલુ રહેશે તથા આચારસંહિતાના સમયગાળામાં મોટા વ્યવહાર કરનાર સામે પણ તપાસ થાય તેવી શક્યતા છે.
ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ અને સુરતની આંગડિયા પેઢીઓ પર દરોડા પાડીને બેમાની વ્યવહારોની વિગતો શોધી કાઢવામાં આવી છે. તપાસ દરમિયાન 10 કરોડ રૂપિયા રોકડા અને એક કિલો સોનું મળી આવતા પોલીસ દ્વારા ઇન્કમટેક્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ઇન્કમટેક્સની ટીમ આ તપાસમાં જોડાઇને રોકડ રૂપિયા અને સોનાની તપાસ શરૂ કરી છે. સાથે સાથે પ્રાથમિક તપાસમાં જ 200 કરોડ રૂપિયાના હવાલા છેલ્લા ત્રણ મહિના દરમિયાન પડ્યા હોવાની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી છે.