રિપોર્ટ@અમદાવાદ: ચુન્ની, બુટ્ટી, કડીઓ જોવાના બહાને નજર ચુકવીને મહિલાઓએ 1.48 લાખની મતાની બે સોનાની બુટ્ટીની ચોરી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખૂબજ વધી રહ્યો છે. અમદાવાદના શેલામાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. જૈનમ જ્વેલર્સ નામના શોરૂમમાં કર્મચારીએ સ્ટોક ગણતરી કરતા બે સોનાની બુટ્ટી ગાયબ હતી, જેથી શોરૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા બે મહિલાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને ચુન્ની, બુટ્ટી, કડીઓ જોવાના બહાને નજર ચુકવીને 1.48 લાખની મતાની બે સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. બોપલ પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
શેલામાં રહેતા વિકેશ શાહ જૈનમ જ્વેલર્સની એક બ્રાન્ચમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. 9 ફેબ્રુઆરી, 2026એ તે સાઉથ બોપલ ખાતેની ઓફિસે હાજર હતા, ત્યારે શેલા શોરૂમના સેલ્સમેન દેવ શાહે ફોન કરીને સ્ટોક ગણતરીમાં બે બુટ્ટી ઓછી હોવા બાબતે વિકેશને જાણ કરી હતી. વિકેશ શાહે શોરૂમના માલિક કમલેશ શાહને જાણ કરીને ત્યાં પહોંચીને સ્ટોક ચેક કર્યો હતો. સ્ટોક ગણતરી વખતે રૂ. 1.48 લાખની મતાની બે સોનાની બુટ્ટી ગાયબ હતી.
તેમણે શોરૂમના સીસીટીવી તપાસતા ગત 8મીએ આશરે 12 વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાની શંકાસ્પદ ગતિવિધિ નજરે પડી હતી. આ બે મહિલાએ ચુન્ની, બુટ્ટી, કડીઓ જાવાના બહાને નજર ચુકવીને રૂ. 1.48 લાખની મતાની બે સોનાની બુટ્ટીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.

