રીપોર્ટ@અમદાવાદ: ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સતત માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે પણ આગાહી કરવામાં આવી છે. તેમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જોઇએ આજે અને આગામી દિવસોમાં ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના છે.અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ 40 કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે

આગામી પાંચ દિવસના રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે જેમાં પાંચે દિવસ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 28મી એપ્રિલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે

30મી એપ્રિલે રાજ્યના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.

.29મી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર સહિત અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરામાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.