રિપોર્ટ@અમદાવાદ: ડ્રાઇવર રિક્ષા ભાડું માગતા પેસેન્જરે તેને માર મારી કપડાં ફાડી નાખ્યાં

પેસેન્જરે મને કહ્યું કે રિક્ષામાં મારે દુબઈ જવું છે
 
રિપોર્ટ@અમદાવાદ: ડ્રાઇવરે રિક્ષામાંથી ઊતરવાનું કહેતાં આરોપીએ માર મારી કપડાં ફાડી નાખ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઊડી રહ્યા છે. લૂંટફાટ અને ચોરીના બનાવો જાહેરમાં બની રહ્યા છે. ત્યારે શહેરમાં પેસેન્જરે રિક્ષાચાલકને માર મારી લૂંટી લેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. રિક્ષામાં બેસીને પેસેન્જરને તેની જગ્યાએ ઉતારી રિક્ષાચાલકે ભાડું માગતા પેસેન્જરે ભાડું આપવાની જગ્યાએ તેને કહ્યું હતું કે, મારે દુબઇ જવું છે. ત્યારે રિક્ષાચાલકે તેને મજાક નહીં કરી ભાડું આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષાચાલકને માર માર્યો હતો અને મોબાઇલ તથા રોકડા રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા.


પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોમતીપુરમાં રહેતા અશરફઅલી અંસારી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ કાલે રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ હું સારંગપુર સર્કલથી એક પેસેન્જર લઈ શાહઆલમ ટોલનાકા જવા નીકળ્યો હતો. એસ.ટી ગીતા મંદિર ચાર રસ્તાથી મેં બીજો એક પેસેન્જર મારી રિક્ષામાં બેસાડ્યો હતો. હું રિક્ષા લઇને શાહઆલમ ટોલનાકા આગળ આવેલા કેક એન જોય નામની દુકાન સામે રોડ પર પહોંચ્યો તે દરમિયાન મેં પેસેન્જરને ઉતારવા માટે રિક્ષા ઊભી રાખીને ભાડું આપવાનું કહેતા અજાણ્યા પેસેન્જરે મને કહ્યું કે રિક્ષામાં મારે દુબઈ જવું છે.


મેં મજાક નહીં કરવા અને ભાડું આપી નીચે ઊતરવાનું કહેતા મને ભાડું નહીં આપવાનું કહીં એકદમ ઉશ્કેરાઈ જઈને મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરતા મને અગાઉ અકસ્માતમાં ઈજા થઈ હતી અને ગળાના ભાગે ટાંકા લીધા હતા તે જગ્યાએ મને એક ફેંટ મારી હતી. અને વધુ બોલાચાલી થતાં આ અજાણ્યા માણસે તે દરમિયાન બૂમો પાડતા આસપાસથી બે માણસો આવી મને નીચે પાડી દઈ ગડદા-પાટુનો માર મારવા લાગ્યા હતા. તેમાંથી એક માણસે મને માથાના ભાગે રોડ પર પડેલો પથ્થર લઇ મારી દેતા મને ઇજા થઇ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. તે દરમિયાન એક રાહદારી ઉંમર ખાન હૈદર ખાન પઠાણ મને છોડાવવા માટે આવ્યા હતા. મને પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યા અને માથાના ભાગે ફેંટો મારી હતી. મને પગમાં સાથળના ભાગે તથા પીઠના ભાગે મૂંઢ ઇજા થઈ હતી.


આ બનાવ દરમિયાન મને છોડાવવા આવેલા ઉંમર ખાનને પકડી રાખી આ અજાણ્યા માણસોએ મારો મોબાઇલ તથા રોકડા 1700 તથા મારી સાથેના ભાઇનો મોબાઇલ ફોન તથા રૂપિયા 3100 એમ કુલ 4800 રૂપિયા તથા બે મોબાઇલ ફોનની લૂંટ કરી મારાં કપડાં ફાડી નાખીને બીભત્સ ગાળો આપી હતી. તેમણે મારી રિક્ષાના કાચ તોડી નાખી નુકસાન કર્યું હતું. ઉમર ખાનનાં પણ કપડાં ફાડી નાખ્યાં હતાં. તે દરમિયાન આસપાસના માણસો ભેગા થઇ જતા આ અજાણ્યા માણસો ત્યાંથી ભાગી ગયા હતા.