રિપોર્ટ@અમદાવાદ: મનપસંદ નાસ્તામાંથી કીડા નીકળ્યા, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. શહેરના કાંકરિયા તળાવ પરિસરમાં આવેલાં ખાણીપીણી બજારમાં મેરેજ એનિવર્સરીમાં બાળકો સાથે નાસ્તો કરવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ થયો છે. પિઝા અને ટોમેટો સોસમાંથી કીડા નીકળ્યા હતા. જેથી આ મામલે તેઓએ દુકાનદારને ફરિયાદ કરી હતી. દુકાનદારે માફી પણ માગી હતી. જો કે, પૂર્વ કોર્પોરેટરે આ મામલે 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.
બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ રાણાની 20 જુલાઈના રોજ મેરેજ એનિવર્સરી હોવાના કારણે તેઓ પત્ની અને બાળકો સાથે કાંકરિયા તળાવ ખાતે ફરવા ગયા હતા. ત્યારબાદ કાંકરિયા પરિસરમાં જ આવેલા ખાણીપીણી બજારમાં મનપસંદ પિઝા નામની દુકાનમાં તેઓ નાસ્તો કરવા માટે બેઠા હતા. વડાપાંઉ અને પિઝા સહિતની ચીજવસ્તુઓનો ખાવા માટે ઓર્ડર કર્યો હતો. આ દરમિયાન પિઝામાં તેમને કીડા જોવા મળ્યા હતા. ત્યારબાદ સોસ પણ બહાર કાઢીને જોતા તેમાં પણ કીડા જોવા મળ્યા હતા. તેના કારણે તેઓએ ખાવાનું મૂકી દીધું હતું.
આશિષ રાણાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પિઝા અને ટોમેટો સોસ બંનેમાંથી જીવાત નીકળી હતી. જે મામલે દુકાનદારને અમે ફરિયાદ કરી હતી તો તેણે અમને મનાવવાના પ્રયત્ન કર્યા હતા. સોરી કહી અને આવું ફરી નહીં થાય તેવું કહ્યું હતું. જે-તે સમયે દુકાનદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ખાવાપીવાની ચીજવસ્તુઓમાંથી ઇયળ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેને જોયા બાદ આવા આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. જેથી તેમણે આ મામલે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.
શહેરમાં દિન-પ્રતિદિન ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ બની રહી છે. હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના રસોડામાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી અને ગંદકી હોય છે, ફૂડ સેફ્ટીના નિયમો પ્રમાણે કિચનમાં અને ખાવાપીવાની ચીજવસ્તુ આપતી વખતે પાલન કરવાનું હોય છે. પરંતુ કોઈ પણ હોટલ કે ફૂડ રેસ્ટોરન્ટમાં તેનું પાલન કરવામાં આવતું નથી. તેના કારણે આવી ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. શહેરમાં રોગચાળો વધવા પાછળ ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવી એ પણ એક કારણ છે.
ગઈકાલે ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ ઓનલાઈન એપ પરથી ફૂડનો ઓર્ડર કર્યો હતો. કાંકરિયા પુપ્ષકુંજ પાસે આવેલી પુરોહિત હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી શાક રોટલી જમવામાં મગાવી હતી. જેમાં શાકમાંથી ઈયળ નીકળી હતી. જેથી આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.
ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં કામ કરતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારથી ઓફિસમાં બેસીને અમે કામ કરી રહ્યા હતા. વરસાદ હોવાના કારણે ઘરેથી ટિફિન આવ્યું નહોતું. જેના કારણે ત્રણ વ્યક્તિઓ માટે ઓનલાઈન ફૂડ એપ ઝોમેટો પરથી ખાવાનો ઓર્ડર કર્યો હતો. કાંકરિયા વિસ્તારમાં પુષ્પકુંજ નજીક આવેલી પુરોહિત હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન શાક-રોટલી મંગાવી હતી. જે શાક રોટલી આવ્યા બાદ તેને થાળીમાં કાઢી ખાવાની શરૂઆત કરી હતી.
હજી તો ખાવાની શરૂઆત કરી ત્યારે તરત જ શાકમાં જોયું તો ઈયળ જેવું દેખાયું હતું. જેથી સરખી રીતે જોતા ઈયળ જોવા મળી હતી. તમામ લોકોએ ખાવાનું સાઈડમાં રાખી દીધું હતું. એક-બે વખત ઊબકા જેવું પણ થયું હતું. ખાવામાંથી ઇયળ નીકળી હોવાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. ઓનલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે જેના કારણે અન્ય કોઈ લોકો આવો ફરી એકવાર ભોગ ન બને.
પુરોહિત હોટલના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે તમામ પ્રકારની તકેદારી રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર આવી ગયું હોઇ શકે છે. અમારા દ્વારા ગ્રાહકને બીજું ટિફિન મોકલી આપવા પણ કહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં તેઓએ ફરિયાદ કરતા અત્યારે ટીમ આવી અને તપાસ કરી હતી.
કાંકરિયા વિસ્તારમાં આવેલા પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મગાવતા તેમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરી હતી.