રિપોર્ટ@અમદાવાદ: 'બાપ-દાદા જેની પૂજા કરતા હતા તેની જ ઉપાસના કરો' - ઉમિયાધામમાં શંકરાચાર્ય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર 'વિશ્વ ઉમિયાધામ' ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પધાર્યા હતા. અહીં તેમણે મા ઉમિયાના દર્શન કરી વિધિવત શિલાપૂજન કર્યું હતું અને ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે શંકરાચાર્યએ કોઈપણ સંપ્રદાયનું નામ લીધા વગર સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની પૂજા અંગે એક સૂચક અને આકરું નિવેદન આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
*શું કહ્યું શંકરાચાર્યએ?*
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું, "તમારા બાપ-દાદા જેની પૂજા કરતા હતા, તેની જ ઉપાસના કરો. આપણા બાપ-દાદા જેની પૂજા કરતા તે જ સાચા ભગવાન છે."
તેમણે વધુમાં કહ્યું, "નકલી દેવી-દેવતાઓથી દૂર રહો. આપણા શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી. મુંબઈના સિનેમાઘરમાં બને તે ભગવાન નથી."
*સનાતન ધર્મ પર ભાર*
શંકરાચાર્યએ કહ્યું કે, ધર્મનો પ્રચાર અને સનાતન સંસ્કૃતિની જાગૃતિ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. હિન્દુ ધર્મની સાચી રક્ષા તેના નિયમો અને મૂલ્યોનું પાલન કરવામાં જ છે.
તેમણે યુવા પેઢીને ખાસ સંદેશ આપતા કહ્યું કે, નવી પેઢીએ પોતાના મૂળ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને ભૂલવી ન જોઈએ. શાસ્ત્રોમાં જે દેવી-દેવતાઓનું વર્ણન છે, તેની જ પૂજા કરવી જોઈએ.
*ભક્તોની મોટી હાજરી*
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓએ શંકરાચાર્યના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો. વિશ્વનું સૌથી ઊંચું આ મંદિર પાટીદાર સમાજની આસ્થાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

