રિપોર્ટ@અમદાવાદ: દિલજીતના કોન્સર્ટમાં નબીરાઓ બેફામ! ભીડ વચ્ચે જ યુવકે સિગારેટ સળગાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સિંગર દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. પંજાબી બીટ્સ પર આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું, પરંતુ આ જ ઉત્સાહ વચ્ચે કેટલાક નબીરાઓની બેફામગીરી સૌની નજરે ચડી ગઈ.
*ભીડ વચ્ચે જ સિગારેટના કસ*
પ્રતિબંધ હોવા છતાં સ્ટેડિયમના ગોલ્ડ એરિયામાં 4થી 5 યુવકો વારાફરતી ઈ-સિગારેટના કસ મારતા કેમેરામાં કેદ થયા હતા. ગીતો પર નાચતા-નાચતા તેઓ બિન્દાસ્ત ધુમાડા કાઢી રહ્યા હતા. એક અન્ય યુવક પણ ભીડ વચ્ચે જ સિગારેટ સળગાવીને પીતો જોવા મળ્યો હતો.
*5થી 7 દર્શક વચ્ચે મારામારી*
કોન્સર્ટ દરમિયાન જ બે જૂથ વચ્ચે અચાનક બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઢીકા-પાટુ સુધી પહોંચી ગયો હતો. 5થી 7 દર્શકો વચ્ચે થયેલી આ મારામારીનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
*સૌથી મોટો સવાલ - ચેકિંગ છતાં કેવી રીતે?*
આયોજકોના દાવા મુજબ, સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા 3 તબક્કામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તો પછી પ્રતિબંધિત ઈ-સિગારેટ છેક મેદાન સુધી કેવી રીતે પહોંચી, એ સૌથી મોટો સવાલ છે.
હાલ આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

