રિપોર્ટ@અમદાવાદ: ઘરમાં સૂઈ રહેલા યુવકો પર જ્વલંતશીલ પદાર્થ નાખીને આરોપી ફરાર, 1નું મોત ને 2 ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઘરમાં સૂઈ રહેલા 3 યુવકો પર જ્વલંતશીલ પદાર્થ નાખીને આરોપી ફરાર થઈ ગયો. ત્રણેય યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાડોશી યુવક દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પોલીસને આશંકા છે. કોઈ પદાર્થને ગરમ કરી અને ત્યારબાદ તેને ફેંકવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી મહાવીર બાગ સોસાયટીમાં એક મકાનમાં મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી શ્રવણ ગઢવી અન્ય બે વ્યક્તિ સાથે ભાડે રહેતો હતો. એ.સી. રીપેરીંગનું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો. શ્રવણની સાથે તેના રૂમમાં સતીદાન ચારણ અને શ્રેણીદાન ચારણ સાથે 28 ફેબ્રુઆરીના રોજ સૂતા હતા ત્યારે વહેલી સવારે કોઈ અજાણ્યો શખસ તેમના પર જ્વલંતશીલ પદાર્થ નાખીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે પણ પદાર્થ નાંખવામાં આવ્યો છે તેને ગરમ કર્યા બાદ ફેંકવામાં આવ્યો છે. હાલમાં ઓઢવ પોલીસ દ્વારા FSLની મદદથી લઈને હત્યા માટે કયા જ્વલંતશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ મૃતકના રૂમની બાજુમાં રહેતો ચંદુભાઈ શિહોર નામનો શખસ ફરાર છે. જેથી ક્યાંક ને ક્યાંક આ બનાવમાં તેની સંડોવણી હોય શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે આ શખ્સની પણ શોધખોળ શરૂ કરી છે.