રિપોર્ટ@અમદાવાદ: પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંક્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તેના પ્રેમીને છોડીને સોલામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
દસ દિવસથી યુવતી તેના પતિ સાથે રહેતી હતી અને નવા ફ્લેટની સાઈટ પર જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ પ્રેમી કારમાં ઘૂસી ગયો અને હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને 70 ટાંકા આવ્યા છે તથા યુવતીને પણ ઈજા પહોચી છે. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોલા વિસ્તારમાં આવેલા અથર્વ આલોડ સોસાયટીમાં રહેતી જાનવી પટેલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સુભાષ પટેલ નામના યુવક વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. જાનવી તેના પતિ શરદ સાથે છેલ્લા દસ દિવસથી રહે છે. શરદ અખબારનગર વ્યાસવાડી વિસ્તારમાં આવેલી ગ્રીન નામની કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે જાનવી અને શરદ ઘરે હાજર હતાં ત્યારે બિલ્ડર કશ્યમ પટેલનો ફોન શરદના ફોન પર આવ્યો હતો. શરદે ફ્લેટ બુક કરાવ્યો હતો, જે સંદર્ભે કશ્યપ પટેલને વાત કરવાની હતી. કશ્યપ પટેલે શરદને ફોન પર કહ્યુ હતું કે મારી સાથે સુભાષ પટેલ પણ છે એટલે તમે ફ્લેટની સાઈટ પર આવી જાઓ. શરદ અને જાનવી કાર લઈને બિલ્ડર કશ્યપ પટેલને મળવા માટે નીકળ્યાં હતાં.
બંને જણા જગતપુર પાસે પહોચ્યાં ત્યારે તે સિગારેટ લેવા માટે પાનપાર્લર પાસે ઊભાં રહ્યાં હતાં. દરમિયાન જાનવીનો પૂર્વ પ્રેમી સુભાષ પટેલ અચાનક કારમાં આવીને પાછળની સીટમાં બેસી ગયો હતો. શરદ કઈ વિચારે એ પહેલાં સુભાષે તેની પાસે રહેલી છરી કાઢી હતી. સુભાષે શરદના ગળાના ભાગમાં, હાથના પંજા, દાઢી તેમજ છાતીના પાછળના ભાગે છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા.
જાનવી શરદને છોડાવવા માટે વચ્ચે પડતાં તેને પણ છરીનો એક ઘા વાગી ગયો હતો. જાનવીએ બૂમાબૂમ કરતા સુભાષ ગાડીમાંથી ઊતરી નાસી ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શરદને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શરદના શરીર પર 70 ટાંકા આવ્યા છે. હાલ શરદ સંપૂર્ણ ભાનમાં છે, પરંતુ ઘટનાની જાણ પોલીસને થતાં તેમને સુભાષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

