રિપોર્ટ@અમદાવાદ: માણેકચોકનું બજાર એક મહિના માટે બંધ રહેશે, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માણેકચોકનું બજાર એક મહિના માટે બંધ રહેશે. માણેકચોકના ખાણીપીણી બજારમાં ખાવા માટે જવાનું વિચારતા હોવ તો હવે તમને એક મહિના માટે માણેકચોકની ભાજીપાંવ, પિત્ઝા, ભેળ, આઈસક્રીમ કે સેન્ડવિચ સહિતની ચીજવસ્તુઓ ખાવા મળશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી મંગળવાર 50 વર્ષ પહેલાં માણેકચોકમાં નાખેલી ડ્રેનેજલાઈનના રિહેબિલિટેશનની કામગીરી કરશે, જેના કારણે રાત્રિ દરમિયાન માણેકચોક બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદના માણેકચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજલાઈનની કામગીરી કરશે, જે રાત્રિ દરમિયાન ચાલશે, જેના કારણે માણેકચોકમાં ખાણીપીણીની બજારની જગ્યામાં મશીનરી મૂકી કામગીરી થશે. એના કારણે રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની બજારને બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક અને આસપાસના વિસ્તારમાં 50 વર્ષથી પહેલાંના સમયમાં ડ્રેનેજલાઈન નાખવામાં આવેલી હતી. આ લાઈન ત્યાર બાદ બદલવામાં આવી નથી, જેથી વર્ષો જૂની લાઈન હોવાના કારણે ત્યાં ગટર ઊભરાની અને જર્જરિત થઈ ગઇ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે એને રિહેબિલિટેશન કરવામાં આવી રહી છે. માણેકનાથ બાવાની સમાધિ ખાણીપીણી બજાર જે વચ્ચેના ભાગે ભરાય છે એ જ સ્થળ પર ભારે મશીનરી મૂકીને કામગીરી કરવામાં આવશે. માણેકચોક પોલીસચોકીની બાજુમાં પાર્કિંગની જગ્યામાં જ્યાં લારીઓ ઊભી રહે છે ત્યાં પણ કામગીરી થશે, જેના કારણે એને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, એકપણ ખાણીપીણીની લારી એક મહિના સુધી માણેકચોકમાં ચાલુ રહેશે નહીં.
શહેરના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજલાઈન ઊભરાવાની અવારનવાર ફરિયાદોના પગલે મધ્ય ઝોન ડ્રેનેજલાઈનોને રિહેબિલિટેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માણેકચોક રાણીના હજીરા, સાંકડી શેરી, મદન ગોપાલ હવેલી, આસ્ટોડિયા રંગાટી બજારથી આસ્ટોડિયા દરવાજા સી.આઈ.પી.પી મેથડથી રિહેબિલિટેશનની કરવાની કામગીરી થવાની છે, જેમાં માણેકચોક વિસ્તારમાં ફલો ડાયવર્ઝન તેમજ સી.આઈ.પી.પી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં અગવડતા ઊભી થાય, જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં આવશે.