રિપોર્ટ@અમદાવાદ: 2 હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી, એક ગંભીર

બંને હોમગાર્ડને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
 
રિપોર્ટ@અમદાવાદ: 2 હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી, એક ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદનાં SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે 14 નવેમ્બરની મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ બાઈક પર સરખેજ પોલીસ સ્ટેશનની ફરજ પર જઈ રહ્યા હતાં. આ સમયે રાજપથ રંગોલી રોડ પર પૂરઝડપે એસ. પી. રિંગ રોડ તરફથી આવી રહેલી કારે પાછળથી તેઓની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલક હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ નીચે પડ્યા હતા. બુમાબુમ કરતા નજીકના પોઇન્ટ પર ઊભેલા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંને હોમગાર્ડને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

અકસ્માતમાં તનવીર શેખને ગંભીર ઇજા પહોંચી છે, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર કારચાલક નશાની હાલતમાં હતો, જે રસ્તામાં 3 શ્રમિકને અડફેટે લઈને આવ્યો હતો. જે બાદ બીજો અકસ્માત સર્જ્યો હતો. સરખેજ પોલીસે અકસ્માત કરનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.