રિપોર્ટ@અમદાવાદ: હાથની નસ કાપી યુવક-યુવતીનો આપઘાતનો પ્રયાસ,1નું મોત, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાં એક હોટલમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકનું હોટલના રૂમમાં જ મોત નીપજ્યું છે જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. યુવક યુવતી બંને એક જ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટલમાં ગઈકાલે એક યુવક અને યુવતી રોકાવા આવ્યા હતા. જોકે, આજે બપોરે 2થી 2:30 વાગ્યાની આસપાસ બંનેએ અગમ્ય કારણોસર હોટલના રૂમમાં જ હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.
પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, યુવક અને યુવતીની ઉંમર 23 અને 24 વર્ષ છે. બંને અમદાવાદમાં શેલા વિસ્તારના રહેવાસી છે અને બંને એક જ સમાજના છે. બંને ગઈકાલે બપોરે ભાગીને ઘરેથી હોટલમાં આવ્યા હતા. યુવક અને યુવતીએ હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. યુવતી હાલ બેભાન અવસ્થામાં છે જેથી ભાનમાં આવ્યા બાદ હકીકતની જાણ થશે.

