રિપોર્ટ@અંબાજી: ચૈત્રી નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૈત્રી નવરાત્રીની આઠમ છે.ચૈત્રી નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા રહ્યા હતા.
આઠમ નિમિત્તે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
હાલમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીના એકમથી લઈને આઠમ સુધી મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે કરવામાં આવે છે.
આવતીકાલથી અંબાજી મંદિરમાં સવારે એક જ મંગળા આરતી થશે. જગતજનની મા અંબાના આશીર્વાદ મેળવવા અને તેમની આરાધના કરવા માટે દૂર દૂરથી ભક્તો ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે.

