રિપોર્ટ@અમરેલી: સાંસદે GST અધિકારીઓને જાહેરમાં ખખડાવી નાખ્યા, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી હાઈવે પર સાંસદ ભરત સુતરિયાએ GST અધિકારીઓનો ઉધડો લઈ લીધો. ખેડૂતો પાસેથી આધાર પુરાવા માગતા અધિકારીઓને ભરત સુતરિયાએ ખખડાવી નાખ્યા.
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો. જેને લઇને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને GSTના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતાં જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાસ્થળે દોડી આવેલા સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે, તમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો. ખેડૂતો ક્યારેય સાત-બારના ડોક્યુમેન્ટ સાથે લઇને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ ફાડી નાંખજો. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતાં, તમે ગમે ત્યાં ખેડૂતોને ઉભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય. આ બાદ મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
આ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો શીંગ લઈને જતા હતા ત્યારે GSTના અધિકારીઓ ખેડૂતો પાસે સાત-બારના ઉતારા માંગતા હતા અને ખેડૂતોને હેરાન કરતા હતા એવી ફરિયાદ મને મળી હતી. ફરિયાદ મળતાં મારે જવું પડ્યું હતું. ત્યાં બીજા વેપારીઓનું ચેકિંગ ચાલતું હતું તેની સામે મને કોઈ વાંધો નથી, પણ ખેડૂતોને હેરાન કરે એ ક્યારે ન ચલાવી લેવાય.