રિપોર્ટ@આણંદ: 2 રીઢા ઘરફોડીયાને પોલીસે પકડતાં કુલ પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
 
રિપોર્ટ@આણંદ: 2 રીઢા ઘરફોડીયાને પોલીસે પકડતાં કુલ પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિવસે-દિવસે ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈને જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  આણંદ જિલ્લામાં વધતાં જતાં ઘરફોડ ચોરીના બનાવો વચ્ચે એલ.સી.બી પોલીસની ટીમે વડોદરાની સીકલીગર ગેંગના બે રીઢા ઘરફોડીયાને પકડતાં કુલ પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પકડાયેલા આ બંને શખ્સો પાસેથી 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, તેમના સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરાની સીકલીગર ગેંગના ગુરૂચરણ ઉર્ફે ગુરૂ ઉર્ફે અમીતસીંગ રણસીંગ સરદારજી (રહે-વડોદરા), કુલજીતસીંગ ઉર્ફે કુલદિપ વીરસીંગ સરદારજી (રહે-સાંકળદા) અને રવિસીંગ ઉર્ફે રવી તારાસીંગ સરદાર (રહે-રણોલી) તાજેતરમાં આણંદ તાલુકાના વઘાસી ગામમાં આવેલ હરીપુજન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની ચોક્કસ બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની અલગ-અલગ ટીમોએ આ ત્રણેયના ઘરે દરોડા પાડ્યાં હતાં. જેમાં ગુરૂચરણ ઉર્દૂ ગુરૂ અમીતસીંગ અને કુલજીતસીંગ ઉર્ફે કુલદિપ પોતપોતાના મકાનમાંથી મળી આવ્યાં હતાં. જોકે, રવિસીંગ ઉર્ફે રવી તારાસીંગ સરદાર મળી આવ્યો ન હતો.

પોલીસે આ પકડાયેલા ગુરૂચરણ અને કુલજીતસીંગની પુછપરછ કરતાં, તેઓએ રવીસીંગ સાથે મળીને વઘાસી હરીપુજન સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે તેમની પાસેથી એક મોટર સાયકલ, એક મોબાઇલ તથા રોકડ રકમ ઉપરાંતસોનાનુ મંગળસુત્ર, સોનાનુ લોકેટ, સીનાની 3 જોડ બુટ્ટી, સોનાની ચેઇન, સોનાનુ કડુ અને ચાંદીના કડા તથા ચોરી કરવાના સાધનો એક વાંદરી પાનુ, એક ડીસમીસ, બે નાની બેટરી મળીને કુલ રૂપિયા 4,23,540 નો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબુલાત કરેલ ગુનાઓની વિગત

(1) તારીખ 10-4-24ના રોજ વહેલી સવારે વઘાસી પાતોળપુરા તળાવ પાસે હરીપુજન સોસાયટીમાં આવેલ બંધ મકાનનો નકુચો તોડી ઘરફોડ ચોરી

(2) બારેક દિવસ પહેલા સારસા ગોસાઇ વગોમાં આવેલ બંધ મકાનનો નકુચો તોડી ઘરફોડ ચોરી

(3) દોઢેક મહીના અગાઉ અડાસ આર.આર.સ્ટ્રીટમાં આવેલ એક મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરફોડ ચોરી

(4) બે મહીના અગાઉ આંકલાવના જોષીકુવા, વચલુ ફળીયુમાં આવેલ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરફોડ ચોરી

(5) ચારેક મહીના પહેલા વહેલી સવારના બોરસદ તાલુકાના બોદાલ ગામની પંચાયત સામે, ચાચર ચોકમાં આવેલ સાંઈ જવેલર્સ નામની દુકાનના લોખંડના દરવાજાનો નકુચો તોડી ઘરફોડ ચોરી


પકડાયેલ આરોપી ગુરૂચરણસિંધ ઉર્ફે અમિત રણુસિંધ સરદારજી અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ, આણંદ રૂરલ, વાસદ, વિગેરે પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીઓના કુલ 6 ગુનાઓમાં પકડાયેલ છે. પકડાયેલા આરોપીઓ મોટર સાયકલ ઉપર આવી સોસાયટી વિસ્તારમાં જે મકાનના મુખ્ય દરવાજાને તાળુ મારેલુ હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી, મકાનના દરવજાનો નકુચો તોડી ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેંડી ધરાવે છે.