રિપોર્ટ@આણંદ: બોરસદ કોર્ટમાં 2 શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી

ન્યાયાધીશ પર હુમલો થતા સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા
 
રિપોર્ટ@આણંદ: બોરસદ કોર્ટમાં 2 શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી છે. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. કોર્ટની અંદર જ જજ પર હુમલો થતા હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં શુક્રવારે બપોરે એડિશનલ ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ એમ.ડી નંદાણી પોતાની ચેમ્બર હાજર હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. બંને શખ્સોએ ન્યાયાધીશને મુક્કાઓ મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. જજ પર ચેમ્બરમાં પડેલી ટીપોય ફેંકવાનો પ્રયાસ કરી તોડી નાખી હતી. બિભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

બોરસદ કોર્ટમાં એડી.ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણી પર બોરસદ કોર્ટની ચેમ્બરમાં જ હુમલો થતા કોર્ટના રજિસ્ટ્રાર એલ.એ.પંચોલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શુક્રવારે બપોરે રિસેસના સમયે જજ પોતાની ચેમ્બર હતા અને તેમના પ્યુન ચા લેવા ગયા હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સોએ ચેમ્બરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આણંદ જિલ્લાના ઈન્ચાર્જ એસપી અતુલ બંસલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બોરસદ કોર્ટમાં બપોરના સમયે જજ જ્યારે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને તુરંત ભાગી ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આણંદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બોરસદ કોર્ટમાં જજ ચેમ્બરમાં જ જજ પર હુમલો થતા પોલીસતંત્રમાં દોડધામ મચી છે. તો બીજી તરફ આ ઘટનાને લઈ જજ અને વકીલોમાં પણ આક્રોશ છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.