રિપોર્ટ@ગુજરાત: માણસામાં 30 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ થનાર પાણીની ટાંકીની મંજૂરી આપી

નવનિર્માણ થનાર પાણીની ટાંકીની મંજૂરી આપી 
 
રિપોર્ટ@ગુજરાત: માણસામાં 30 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ થનાર પાણીની ટાંકીની મંજૂરી આપી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વિકાસ માટે કેટલાક પગલા લેવામાં આવતા હોય છે.  ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજરોજ ઇ.ચા. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં માણસા ગામમાં રૂપિયા 30 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ થનાર પાણીની ટાંકીની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકના આરંભે યુનિટના મેનેજર અને સમિતિના સભ્ય સચિવે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં જુદી જુદી 288 ગામની ગ્રામસમિતિઓની કુલ- 383 યોજનાઓને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં માણસા તાલુકામાં 81 ગામોમાં 98, કલોલ તાલુકાના 56 ગામોમાં 99, ગાંધીનગર તાલુકામાં 58 ગામોમાં 98 અને દહેગામ તાલુકામાં 93 ગામોમાં 88 યોજનાઓને મંજુર કરવામાં આવી હતી.

જે તમામ યોજનાઓના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આજે મળેલ સમિતિની બેઠકમાં ઇ.ચા. કલેકટર અને સમિતિના અધ્યક્ષ સંજય મોદી અને સમિતિના સભ્યો દ્વારા માણસા તાલુકાના લીંબોદરા ગામમાં રૂપિયા 30 લાખ 48 હજાર કરતા વધુના ખર્ચે નિર્માણ થનાર પાણીની ટાંકીના કામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. લીબોદરા ગામમાં મંજૂર થયેલ કામમાં 80 લાખ લિટરની ક્ષમતાવાળી 12 મીટર ઉંચી પાણીની ટાંકી બનાવવામાં આવશે.

તેમજ એક લાખ લિટરની ક્ષમતાનો બે ભૂગર્ભ સંપ બનાવવામાં આવશે. જેમાં એક સંપ પંચાયત પાસે અને બીજો સંપ કન્યા પ્રાથમિક શાળા પાસે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જોઇનીંગ લાઇન, જોબ કનેકશન અને બે નંગ પમ્પીંગ મશીનરી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીજ્ઞાસા વેગડા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.