રિપોર્ટ@અમદાવાદ: મેટ્રો સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન બંધ

ટિકિટ વેન્ડિંગ મશીનો કાર્યરત નથી અને મેન્ટેનન્સ હેઠળ છે તેમ લખી દેવાયું છે. લોકોને ટિકિટ મેળવવા માટે લાઈનોમાં ઉભું રહેવું પડી રહ્યું છે.
 
રિપોર્ટ@અમદાવાદ: મેટ્રો સ્ટેશન પર ઓટોમેટિક  ટિકિટ વેન્ડિંગ મશીન બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં બે કોરિડોરમાં દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે અને તેમને ટિકિટ લેવાની જરૂરિયાત હોય છે, ત્યારે દરેક મેટ્રો સ્ટેશન પર બનાવવામાં આવેલા ટિકિટ વેન્ડિંગ મશીનો બંધ હાલતમાં છે. ટિકિટ વેન્ડિંગ મશીનો કાર્યરત નથી અને મેન્ટેનન્સ હેઠળ છે તેમ લખી દેવાયું છે. લોકોને ટિકિટ મેળવવા માટે લાઈનોમાં ઉભું રહેવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો ટિકિટ બારી પણ એક જ જગ્યાએ ચાલુ રાખવામાં આવી છે. લોકોએ ફરજિયાત ટિકિટ બારી ઉપરથી જ ટિકિટ લેવી પડે છે.

અમદાવાદના મેટ્રો સ્ટેશન પરથી ટિકિટ વેન્ડિંગ મશીનો બંધ હોવા અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મોટેરા સ્ટેડિયમથી લઈ ઇન્કમટેક્સ સુધીના દરેક સ્ટેશનો પર જ્યારે તપાસ કરવામાં આવી તો ટિકિટ બારીની બાજુની જગ્યાએ બનાવવામાં આવેલા ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ મશીન બંધ હતા તો કેટલીક જગ્યાએ કાર્યરત નથી અથવા તો મેન્ટેનન્સ હેઠળ છે એમ દર્શાવવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ ઓટોમેટિક વેન્ડિંગ મશીન બંધ હતા.

સૌપ્રથમ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતા પશ્ચિમ તરફનું મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. સ્ટેશન પર બે ટિકિટ વેન્ડિંગ મશીન લગાવેલા જોવા મળ્યા હતા, પરંતુ બેમાંથી એક પણ ટિકિટ વેન્ડિંગ મશીન ચાલુ નહોતા. મશીન ઉપર લાગેલા સ્ક્રીન ઉપર કાર્યરત નથી તેવું લખેલું જોવા મળ્યું હતું. ત્યાર બાદ સાબરમતી મેટ્રો સ્ટેશન પર પણ જ્યારે પહોંચ્યા ત્યારે આ વેન્ડિંગ મશીન પર પણ આઉટ ઓફ સર્વિસ લખેલું જોવા મળ્યું હતું. એક પણ જગ્યાએ વેન્ડિંગ મશીન ચાલુ નહોતા. બુલેટ અને સાબરમતી રેલવે સ્ટેશનને જોડતા AEC મેટ્રો સ્ટેશન પર પણ જ્યારે તપાસ કરવામાં આવી તો ત્યાં પણ ઓટોમેટિક વેન્ડિંગ મશીન બંધ હતું.

રાણીપ મેટ્રો સ્ટેશન ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં ટિકિટ બારી નંબર 1 અને 2 બંધ હતી. જે ઓટોમેટિક વેન્ડિંગ મશીન આવેલું છે તે પણ બંધ હાલતમાં હતું. મશીન ચાલુ છે કે બંધ તેની ખબર જ ન પડે તેવું જોવા મળ્યું હતું. ત્યાર બાદ વ્યાસવાડી પાસે આવેલા વાડજ મેટ્રો સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા. ટિકિટ વેન્ડિંગ મશીન ઉપર સ્ક્રીન લગાવેલી છે તેમાં કાર્યરત નથી તેવું લખેલું હતું. જ્યાં બેરીકેટ લગાવવામાં આવ્યું હતું તેમાં પણ એક તરફ બાજુમાં લગાવેલા મશીનને પટ્ટો બાંધી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં પણ મશીન બંધ હતું. સ્ક્રીન પર કાર્યરત નથી અને અંડર મેન્ટેનન્સ (under mantatince) લખેલું હતું.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ તરફ જતી મેટ્રો ટ્રેનના ઇન્ટર ચેન્જ માટેના મુખ્ય સ્ટેશન એવા ઇન્કમટેક્સ (જૂની હાઇકોર્ટ સ્ટેશન) ખાતે બોટાદ રેલવે લાઈન તરફથી પાછળના ભાગે આવેલા એન્ટ્રીગેટ પરથી જ્યારે સ્ટેશન ઉપર પ્રવેશ મેળવ્યો ત્યારે ત્યાં લોકો ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. લોકોને ટિકિટ લેવી હોય તો લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું અને બાજુમાં પડેલું ટિકિટ વેન્ડિંગ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું. એક બે લોકોએ વેન્ડિંગ મશીન તરફ જોયું પણ હતું, પરંતુ મશીન બંધ હાલતમાં હતું. ઓનલાઇન પેમેન્ટ કરી અને ટિકિટ લેવા માટે મૂકવામાં આવેલું મશીન પણ બંધ હતું.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લોકોને ટિકિટ લેવા માટે લાઈનમાં ન ઉભું રહેવું પડે તેના માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન દરેક મેટ્રો સ્ટેશન ઉપર બનાવવામાં આવ્યા છે. જોકે, આ ટિકિટ વેન્ડિંગ મશીનો હવે બંધ કરી દેવામાં આવતા લોકોને ફરજિયાત ટિકિટ લેવા ટિકિટ બારી ઉપર ઉભું રહેવું પડે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરે મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોને સગવડતા નહીં, પરંતુ ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી વ્યવસ્થા જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો યોગ્ય સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો. ઇન્કમટેક્સ ખાતે જ્યારે સ્ટેશન પર પહોંચ્યા તો ત્યાં ટિકિટો સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસે પરિસરમાં જ નાખેલી જોવા મળી હતી.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અંકુર પાઠકે જણાવ્યું હતું કે, ટિકિટ વેન્ડિંગ મશીનમાં ગણતરીને લઈને કોઈ ખામી હતી જેને તપાસવા માટે મશીન બંધ કરવામાં આવ્યા છે. અત્યારે હાલ મશીન ચાલુ થઈ ગયા છે.