રિપોર્ટ@અમદાવાદ: રોડ પરના ખાડા વાહન ચાલકો માટે પીઠનો દુ:ખાવો, કરોડરજ્જુની સમસ્યા વધી

કરોડરજ્જુની જૂની અને નવી ઈજાના કેસમાં અંદાજે 30 ટકાનો વધારો થયો છે.
 
ડીસા-પાટણ હાઇવે પર જીવલેણ ખાડા પડતા લોકોમાં રોષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વરસાદના કારણે રોડ પર ખાડા પડી ગયા છે. કેટલાક રોડ તૂટી ગયા છે. વાહનચાલકો માટે એમાં પણ ખાસ કરીને ટુવ્હીલર પર જતાં લોકો માટે આ રોડ પીઠનો દુ:ખાવો અને કરોડરજ્જુની સમસ્યા ઊભી કરે છે. વાહન પર પસાર થતી વખતે અચાનક વાહન ખાડા કે ખાડામાં પછડાય તો કરોડરજ્જુમાં ઈજા થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. વરસાદ પડ્યા પછી તૂટી ગયેલા રોડને કારણે કરોડરજ્જુની જૂની અને નવી ઈજાના કેસમાં અંદાજે 30 ટકાનો વધારો થયો છે. શહેરમાં મુખ્ય રોડ સારી હાલતમાં છે પણ અંતરિયાળ રોડ મોટા પ્રમાણમાં તૂટી ગયા છે.

સિવિલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. પીયૂષ મિત્તલના જણાવ્યા અનુસાર હોસ્પિટલની ઓપીડીમાં વરસાદ પછી આવતાં કરોડરજ્જુની ઈજા અને પીઠના દુ:ખાવાના કેસમાં 10થી 15 ટકા વધારો થયો છે. સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલના સર્જન ડો. ભરત દવેના જણાવ્યા અનુસાર, ખાડામાં પછડાવવાથી જર્ક આવવાને લીધે કમર અને ગરદનના મણકાને નુકસાન તેમજ ઓસ્ટીપોરોસીસથી પીડાતા દર્દીમાં તકલીફના કેસમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કમરબેલ્ટ પહેરતા લોકો વાહન પર જતા હોય અને ખાડાને લીધે જર્ક આવે તો લિગામેન્ટ, સ્નાયુની ઈજા થાય છે  ખાડા અને ઉબડખાબડ રોડથી વાહન પર જનારાને અચાનક આંચકો આવે છે, જેને કારણે પીઠના સ્નાયુ ખેંચાઈ જાય છે .

સ્પીડમાં જતી વખતે વાહન એકાએક ખાડામાં પડી બહાર નીકળે તો સ્લીપ ડિસ્ક થવાનું જોખમ 50-60 ટકા વધે છે. ખાડો જોઈ એકાએક વાહનને બ્રેક મારવામાં આવે તો ગળા, પીઠ અને પગના સ્નાયુ ખેંચાઈ શકે છે.

ઉબડખાબડ રોડને કારણે વાહન સ્લીપ થવાથી થતાં અકસ્માતમાં હાથ-પગ કે ખભાના હાડકામાં ફ્રેક્ચરનું જોખમ રહેલું છે. ખરાબ રોડ પર સતત ડ્રાઈવિંગથી હાડકા, જોઈન્ટનો ઘસારો ઝડપી બને છે. આર્થરાઈટિસની તકલીફ સર્જાતી હોય છે.

રિક્ષા અચાનક ખાડામાં પછડાતા 60 વર્ષના વૃદ્ધનો કરોડરજ્જુનો એટલે -3 મણકો બેસી ગયો હતો, દવા કરવા છતાં દુખાવો ન મટતા છેવટે બલુન કાયફોપ્લાસ્ટિથી મણકો ઉભો કરીને સિમેન્ટ ભરવો પડ્યો હતો. જે દર્દીના હાડકાં પોચાં હોય કે અકસ્માતે ફ્રેકચર થયું હોય તેવા લોકોને ખાડાને લીધે જર્ક આવવાથી અસહ્ય દુ:ખાવો થાય છે. આ ઉપરાંત જર્કથી કમરના લિગામેન્ટને ઈજા થાય છે.